ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની નાણાંની લાલચે બે દર્દીઓના જીવ લઇ લીધા છે. એ વાતનો ખુલાસો થયો છેકે, ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના માથે રાજકીય આકાઓના આર્શિવાદ રહ્યાં છે. આરોગ્ય મંત્રી સાથે પણ નજીકના સબંધ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક તરફ, ગુજરાતમાં આરોગ્ય વ્યવસ્થા કથળી છે, દર્દીઓ જીવ ગુમાવી રહ્યાં છે ત્યારે આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયાં છે. આ કારણોસર સરકારના મંત્રી પર ટીકાઓ વરસી રહી છે. એવુ જાણવા મળ્યુ છેકે, બિલ્ડર કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના મૂળ માલિક છે. કન્સ્ટ્રકશનની સાથે સાથે તેઓ શૈક્ષણિક સંસ્થા સાથે પણ સંકળાયેલાં છે. પલોડીયામાં પણ કાર્તિક પટેલ ખ્યાતિ કોલેજ કેમ્પસ ધરાવે છે. આ અગાઉ પણ ખ્યાતિ હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીને કારણે એક યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો. આમ છતાંય હોસ્પિટલ માલિકને ઉંની આંચ આવી ન હતાં.
એવી વાત પણ બહાર આવી છેકે, ખ્યાતિ હોસ્પિટલને મંત્રી ષિકેશ પટેલના હસ્તે એવોર્ડ અપાયો હતો. હોસ્પિટલના સંચાલકો સાથે આરોગ્ય મંત્રીની નિકટતા છે. એવોર્ડ સમારોહમાં આરોગ્ય મંત્રીની સાથે સાથે ભાજપના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત હતાં જેની તસવીર પણ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે. હવે સવાલ એ થાય છેકે, જ્યાં સારવારના લૂંટ ચલાવવામાં આવતી હોય તે હોસ્પિટલને શું જોઇને એવોર્ડ આપવામાં આવ્યો હશે ?ખ્યાતિ હોસ્પિટલમાં નેતાઓનો પણ જમાવડો જોવા મળ્યો હતો. સૌપ્રથમ પહોંચનારા નેતામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી-કડીથી પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલનો પણ સમાવેશ થતો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આ ઘટનામાં જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવવા જોઇએ.’