Trump talked to Putin: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે 7 નવેમ્બરે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બાબતથી પરિચિત ઘણા લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે. જેમાં જાણવા મળ્યું હતું કે ટ્રમ્પે આ કોલ તેમના ફ્લોરિડા રિસોર્ટમાંથી કર્યો હતો. આ દરમિયાન ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિને યુક્રેનમાં યુદ્ધ ન વધારવાની સલાહ આપી અને તેમને યુરોપમાં અમેરિકાની મોટી સૈન્ય હાજરીની યાદ પણ અપાવી હતી.
યુક્રેનમાં યુદ્ધના વહેલા ઉકેલ લાવવા ચર્ચા કરી
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની જીત થતા પુતિને તેમને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે હું ટ્રમ્પ સાથે વાત કરવા માટે તૈયાર છું. તેમજ તેમણે યુએસ-રશિયા સંબંધોને પુનઃસ્થાપિત કરવા અને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા તરફ કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બંને નેતાઓએ યુરોપિયન ખંડ પર શાંતિના ધ્યેય અંગે ચર્ચા કરી હતી અને ટ્રમ્પે યુક્રેનમાં યુદ્ધના વહેલા ઉકેલની ચર્ચા કરવા માટે વાતચીત ચાલુ રાખવામાં રસ દર્શાવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રાષ્ટ્રપતિ પદના પ્રચાર દરમિયાન કહ્યું હતું કે હું યુક્રેનમાં યુદ્ધ તરત જ ખતમ કરી દઈશ. જો કે તે કઈ રીતે કરશે એ અંગે કોઈ વિગત આપી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બાબતથી વાકેફ લોકોએ કહ્યું કે ટ્રમ્પે અંગત રીતે સંકેત આપ્યો છે કે તેઓ એવા સોદાને સમર્થન આપશે જેમાં રશિયાના કબજા હેઠળનો કેટલોક વિસ્તાર રહેશે. ટ્રમ્પે પુતિન સાથેની વાતચીત દરમિયાન જમીનનો મુદ્દો પણ થોડા સમય માટે ઉઠાવ્યો હતો.
ટ્રમ્પે 70 દેશોના નેતાઓ સાથે વાત કરી છે
ટ્રમ્પે ગુરુવારે અમેરિકન મીડિયાને જણાવ્યું હતું કે મે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સહિત ચૂંટણી પછી લગભગ 70 વિશ્વ નેતાઓ સાથે વાત કરી છે. તેમણે ઈલોન મસ્ક સાથે પણ વાત કરી.
યુક્રેનને પણ પુતિનના કોલ અંગે માહિતી આપી
રિપોર્ટ અનુસાર, આ મામલાની જાણકારી ધરાવતા બે લોકોએ કહ્યું કે યુક્રેનના અધિકારીઓને પણ પુતિન સાથે ટ્રમ્પની વાતચીત બાબતે જાણકારી આપવામાં આવી હતી. તેમણે આ વાતચીત સામે કોઈ વાંધો વ્યક્ત કર્યો નથી. કારણ કે યુક્રેનના અધિકારીઓ લાંબા સમયથી સમજી ગયા છે કે ટ્રમ્પ યુદ્ધના રાજદ્વારી ઉકેલ માટે પુતિન સાથે વાત કરશે.
ઈલોન મસ્ક પણ ઝેલેન્સ્કી સાથે કૉલમાં જોડાયા
ટ્રમ્પે 8 નવેમ્બરના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ વાત કરી હતી અને તેમને યુક્રેન માટે તેમના સમર્થનની ખાતરી આપી હતી. સામે ઝેલેન્સકીએ ટ્રમ્પને તેમની ચૂંટણી જીત બદલ અભિનંદન પાઠવ્યા. ઈલોન મસ્ક પણ ઝેલેન્સ્કી સાથે કૉલમાં જોડાયા હતા, જેમણે યુક્રેનિયન પ્રમુખને કહ્યું હતું કે તેઓ યુક્રેનને સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્શન્સ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.
ટ્રમ્પ અત્યારે અમેરિકાની સરકારને ઇન્ટરસેપ્ટર કહી રહ્યા નથી
આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે વિશ્વના નેતાઓ સાથે ટ્રમ્પના પ્રારંભિક કૉલ્સ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને યુએસ સરકારના ઇન્ટરસેપ્ટર્સના સહયોગથી કરવામાં આવ્યા ન હતા. ટ્રમ્પ ટ્રાન્ઝિશન ટીમે હજુ સુધી જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા નથી, જે રાષ્ટ્રપતિ પદ માટેની પ્રમાણભૂત પ્રક્રિયા છે. ટ્રમ્પ અને તેમના સાથીઓએ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિના કોલ્સ લીક થયા બાદ સરકારી અધિકારીઓ પર ઓછો વિશ્વાસ કર્યો છે.