Agriculture News : ગુજરાત માટે ખરાબ સમાચાર આવ્યા છે. છેલ્લા 9 મહિનામાં ખરાબ હવામાનના 102 દિવસમાં 200થી વધારે લોકોના મોત થયા છે તો એક લાખ હેક્ટરમાં પાકને નુક્સાન થયું છે. સૌથી વધારે નુક્સાન મહારાષ્ટ્રને થયું છે. દેશમાં પ્રથમ 9 મહિનામાં ખરાબ હવામાનને કારણે 3238 લોકોનાં મોત થયા છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) દ્વારા ‘સ્ટેટ ઓફ એક્સ્ટ્રીમ વેધર ઈન ઈન્ડિયા 2024’ રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. આ વર્ષના પ્રથમ નવ મહિનામાં 274 દિવસોમાંથી 255 દિવસ સુધી દેશમાં ક્યાંકને ક્યાંક ખરાબ હવામાન હતું. આનો અર્થ એ થયો કે કાં તો તીવ્ર ગરમી કે ઠંડીઅથવા તો ભારે વરસાદ કે તીવ્ર દુષ્કાળ અથવા તોફાન આવ્યું છે.
દેશમાં ખરાબ હવામાનને કારણે 32 લાખ હેક્ટરનો પાક નાશ પામ્યો હતો અને 2.36 લાખ મકાનો નાશ પામ્યા હતા. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન, 235 ખરાબ ઘટનાઓમાં 2,923 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 2022માં પણ 241 ઘટનાઓમાં 2,755 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
મધ્યપ્રદેશમાં સૌથી વધુ 176 દિવસ ભારે હવામાન (ખરાબ હવામાન) રહ્યું હતું. કેરળમાં હવામાનના કારણે સૌથી વધુ 550 લોકોના મોત થયા છે. આંધ્રમાં સૌથી વધુ 85,806 મકાનોને નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં પાકને સૌથી વધુ નુકસાન થયું હતું, જે સમગ્ર દેશમાં પાકના કુલ નુકસાનમાં 60% છે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE)ના ‘સ્ટેટ ઓફ એક્સ્ટ્રીમ વેધર ઈન ઈન્ડિયા 2024’ રિપોર્ટમાં આ આંકડાઓ સામે આવ્યા છે. આ હિસાબે મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ખરાબ હવામાનના દિવસો નોંધાયા હતા. આ સમયે યુપી-રાજસ્થાનમાં પાકને વધુ નુકસાન થયું નથી. જોકે, ખરાબ હવામાનના આ સમયમાં ગુજરાતમાં પણ 102 દિવસ ખરાબ રહ્યાં છે. જેમાં એક લાખ હેક્ટરમાં પાકને નુક્સાન થયું છે. ગુજરાતમાં 19,571 ઘરોને પણ આ હવામાનની અસર થઈ છે.