4th Finance Commission: ભાજપ ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ યમલ વ્યાસ ટૂંકસમયમાં ભાજપના મુખ્ય પ્રવક્તા અને સભ્ય પદેથી રાજીનામું આપશે. બંધારણીય હોદ્દા માટે નિમણૂક થતાં આ રાજીનામું આપવું જરૂરી હોય છે. રાજીનામું આપ્યા બાદ નવી જવાબદારીઓ સંભાળશે.
છેલ્લા પાંચ વર્ષથી આ પદ ખાલી હતું. અગાઉ ભરત ગરીવાલ નાણા પંચના અધ્યક્ષ હતાં. ઉલ્લેખનીય છે, આ નિમણૂક બાદ રાજ્ય સરકારની પેન્ડિંગ કરોડોની ગ્રાન્ટને મંજૂરી મળી શકે છે.ચાર્ટર્ડ એકાઉન્ટ યમલ વ્યાસ 2011થી 2015 દરમિયાન ગુજરાત રાજ્યના ત્રીજા નાણા પંચના પૂર્ણ સમયના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. ઈન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ કાઉન્સિલ પર સરકારના નોમિની તરીકે પણ બે વખત સેવા આપી હતી. આ સિવાય તેઓ ગુજરાત રાજ્યની નાણાકીય સેવાઓ, ગુજરાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ લિ. જેવી સરકારી કંપનીઓના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર પણ હતાં.