ઓસ્ટ્રેલિયાના T20 વર્લ્ડ કપ વિજેતા વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 2021માં પ્રથમ વખત ટીમને T20 વર્લ્ડ કપ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મેથ્યુ વેડે ઓસ્ટ્રેલિયા માટે 13 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. તેની પાસે 200 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે, પરંતુ હવે આ 36 વર્ષીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. મેથ્યુ વેડે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સફેદ બોલની ક્રિકેટમાં મોટાભાગની મેચો રમી છે.
મેથ્યુ વેડે ઓસ્ટ્રેલિયા માટે ત્રણ T20 વર્લ્ડ કપ રમ્યા હતા, જેમાંથી ટીમે 2021 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટીમનું પહેલું ટાઈટલ હતું, જે દુબઈમાં જીત્યું હતું અને તે સમયે તે ટીમનો વાઈસ કેપ્ટન હતો. સેમીફાઈનલમાં તેણે પાકિસ્તાન સામે 17 બોલમાં અણનમ 41 રન બનાવ્યા અને ટીમને ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો. મેથ્યુ વેડે ઓસ્ટ્રેલિયા માટે કુલ 36 ટેસ્ટ રમી હતી, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 117 રન હતો, જે એશિઝમાં આવ્યો હતો. મેથ્યુ વેડ હજુ પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં T20 લીગ ક્રિકેટમાં સક્રિય રહેશે.