USA Election 2024 News – અમેરિકામાં ચૂંટણીને બે અઠવાડિયા બાકી તે પહેલાં જ 2 કરોડ લોકોએ કર્યું મતદાન, ટ્રમ્પે કર્યો વિરોધ

By: nationgujarat
25 Oct, 2024

USA Election 2024 News | 5 નવેમ્બરે યોજાનાર અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને હજી બે અઠવાડિયા બાકી છે ત્યારે બે કરોડથી વધુ અમેરિકનો મતદાન કરી ચૂક્યા છે જે ઉપ-પ્રમુખ કમલા હેરિસ (ડેમોક્રેટ ઉમેદવાર) અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (રિપબ્લિકીન ઉમેદવાર) વચ્ચેની સ્પર્ધાની તીવ્રતા દર્શાવે છે. ફ્લોરિડાની ઈલેક્શન લેબની યુનિવર્સિટી અનુસાર ૭૮ લાખ મતદારોએ વહેલા ઈન-પર્સન વોટિંગમાં ભાગ લીધો હતો જ્યારે એક કરોડથી વધુ મતદારોએ ટપાલ બેલોટનો વિકલ્પ પસંદ કર્યો હતો.ભારતથી વિપરીત જ્યાં મતદાન શરૂ થવા અગાઉ પ્રચાર બંધ કરવામાં આવે છે, અમેરિકામાં અનેક અઠવાડિયા સુધી બંને સમાંતર ચલાવવાની મંજૂરી છે. આ વર્ષે એરિઝોના, નેવાડા, વિસ્કોનસિન, મિશિગન, પેનીસીલવેનિયા, ઉત્તર કેરોલિના અને જ્યોર્જિયા જેવા પરિણામ પર પ્રભાવ પાડવા સક્ષમ મહત્વના સાત રાજ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

અમેરિકામાં વહેલું મતદાન લોકપ્રિય પદ્ધતિ છે જેમાં મતદારોને ચૂંટણીના નિર્ધારિત દિવસ અગાઉ જ ટપાલ અથવા નક્કી કરાયેલા પોલીંગ બૂથ પર તેમના મત આપવાની છૂટ હોય છે.

નોંધનીય છે કે રિપબ્લિકન મતદારોએ વહેલા વોટિંગમાં વધુ રસ દાખવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના આ પદ્ધતિ સામે વિરોધને જોતા આ બાબતે ઘણાને આશ્ચર્ય થયું હતું. પ્રત્યક્ષ વોટિંગમાં ૪૧.૩ ટકા રિપબ્લિકન મતદારો હતા જ્યારે ડેમોક્રેટ્સ ૩૩.૬ ટકા હતા. બીજી તરફ ટપાલ દ્વારા વોટિંગમાં બંનેની સંખ્યા લગભગ સમાન હતી.

સેમ એલ્મી જેવા રાજકીય નિષ્ણાંતોના મતે રિપબ્લિકન મતદારોએ સગવડ અને અસરકારકતાને કારણે વહેલા મતદાનનો વિકલ્પ અપનાવ્યો હતો. જ્યોર્જિયા જેવા રાજ્યોમાં ચૂંટણીના દિવસ પહેલા ૭૦ ટકા મતદારો તેમના મત આપવાની સંભાવના હોવાથી મતદાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ખાસ કરીને રિપબ્લિકન મતદારોમાં વધુ પ્રમાણમાં મતદાન થવાની બાબત ચૂંટણીના પરિણામ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.


Related Posts

Load more