મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરના ૪૯ મા પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી ..

By: nationgujarat
24 Oct, 2024

પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં વાઘજીપુર ગામ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ અનંત જીવોનાં કલ્યાણ કરવા તેમજ અહીં વસતા તે તે મુમુક્ષુ જીવો પર અપાર કરુણા કરી વાઘજીપુર મુકામે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરનું ૪૯ વર્ષ પૂર્વે નિર્માણ કર્યું હતું અને એમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી અને સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.

વર્તમાન સમયે પંચમહાલ, દાહોદ અને મહીસાગરના બસ્સો કરતાં પણ વધારે ગામોમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આશ્રિતો પ્રભુ ભજન કરી અને ભગવાનને રીઝવવા ભક્તિ કરી રહ્યા છે. જ્યારે પાટોત્સવ દિન આવે ત્યારે ભક્તોનો મહેરામણ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનાં સમીપ દર્શન માટે ઉત્સુકતાથી ઉમટે છે.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો ૪૯ મો પાટોત્સવ વિધિ ષોડશોપચાર વિધિથી પૂજન, અર્ચન તથા અન્નકૂટ ધરાવી આરતી પણ ઉતારી હતી. આ દિવ્ય પાવનકારી અવસરે હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો તથા પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ, શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ, વાઘજીપુરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓએ વિધ વિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી હતી તેઓનું સન્માન આદિ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

આ દિવ્ય પાવનકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યનું જીવન સુસંસ્કારી બને તે માટે આવા મંદિરનું નિર્માણ છે. મનુષ્ય જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન છે. આપણે આધ્યાત્મિક વિદ્યા ભણવી છે અને તે વિદ્યા ભણવા માટે શ્રી સ્વામિનારાયણ મંદિર મહાવિદ્યાલય છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરા આપણા પ્રોફેસર અને પ્રિન્સિપાલ છે. માટે એ જે કહે તેમ કરીએ એટલે વર્તનમાં મૂકીએ તો પાત્ર થવાય. ભગવાન અને તેમના સંકલ્પ સ્વરૂપો માયામાં ફસાયેલા અનંત જીવોને છોડાવવા માટે પ્રગટ્યા છે. જે કોઈ મુમુક્ષુ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના જે દર્શન કરશે, મંદિરનાં પગથિયાં ચડશે, દંડવત કરશે તેનું પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન આને આ જન્મે જ આત્યંતિક કલ્યાણ કરશે. આ દિવ્ય પાવનકારી અવસરનો લ્હાવો દેશો દેશનાં હજારો હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.


Related Posts

Load more