PM Modi Meets President of Iran: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયામાં ઈરાનના પ્રમુખ મસૂદ પેજેશ્કિયન સાથે મુલાકાત કરી. જુલાઈમાં ઈરાનના રાષ્ટ્રપતિ ચૂંટાયા બાદ મોદી સાથે આ પહેલી મુલાકાતમાં પેજેશ્કિયને પશ્ચિમ એશિયામાં શાંતિની જરૂર અને તણાવ ઘટાડવામાં ભારતની ભૂમિકા પર ભાર આપ્યો કેમ કે તેના તમામ પક્ષો સાથે સારા સંબંધ છે.
બ્રિક્સ સંમેલન સિવાયની આ મુલાકાતમાં બંને નેતાઓની વચ્ચે ચાબહાર બંદર અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (આઈએનએસટીસી) પર પણ વાત થઈ. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે ‘પ્રમુખ પેજેશ્કિયાનની સાથે મુલાકાત સારી રહી અને તેમણે સંબંધોની સમીક્ષા કરી.’ વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે ‘ચર્ચા ઉપયોગી રહી.’
બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલુ તણાવ પર ચિંતા વ્યક્ત કરી અને ભારતે નાગરિકોની સુરક્ષાનું આહ્વાન કર્યું. મિસરીએ જણાવ્યું કે ‘બંને નેતાઓએ અફઘાનિસ્તાનની સ્થિતિ પર પણ ચર્ચા કરી.’ વડાપ્રધાને ઈરાનના પ્રમુખને ભારત આવવાનું આમંત્રણ મોકલ્યું જેને તેમણે સ્વીકાર્યું. બંને નેતાઓની વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયલ, હમાસ અને હિઝબુલ્લાની વચ્ચે સંઘર્ષ વધી ગયો છે.
આ પણ વાંચો: ઈઝરાયલના હાથમાં હિઝબુલ્લાહનો ખજાનો લાગી ગયો, એટલી રોકડ-સોનું મળ્યું કે વિશ્વાસ નહીં થાય
પુતિન અને જિનપિંગે કરી દ્વિપક્ષીય બેઠક
ઉલ્લેખનીય છે કે વધતા તણાવથી ચિંતિત મોદીએ સપ્ટેમ્બરમાં યુદ્ધ વિરામની અપીલ કરી હતી. બ્રિક્સ સંમેલનથી પહેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગે પણ દ્વિપક્ષીય બેઠક કરી. પુતિને મંગળવારે જ બ્રિક્સ સંમેલનમાં આમંત્રિત નેતાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન પણ કર્યું.
ભારતીય સમુદાયે PM મોદીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું
કઝાન પહોંચવા પર ભારતીય સમુદાયના સભ્યોએ વડાપ્રધાન મોદીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું. તેમણે સંસ્કૃત અને હિંદીમાં ગીત ગાયા અને ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ ના સૂત્રોચ્ચાર પણ કર્યાં. વડાપ્રધાને હાથ જોડીને તેમનો આભાર માન્યો. પારંપરિક ભારતીય પહેરવેશ પહેરેલા રશિયન કલાકારોએ વડાપ્રધાનની સમક્ષ રશિયન નૃત્ય રજૂ કર્યું જેને તેમણે ખૂબ રસપૂર્વક નિહાળ્યું. અમુક ઈસ્કોન સભ્યોએ કૃષ્ણ ભજન પણ ગાયા.
પીએમ મોદી જિનપિંગ સાથે મુલાકાત કરશે
રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ સંમેલન 2024નું આયોજન થઈ રહ્યું છે. બે દિવસીય સંમેલનની અધ્યક્ષતા રશિયા કરી રહ્યું છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આની પુષ્ટિ ભારતીય વિદેશ મંત્રાલયે કરી છે.