બાંગ્લાદેશના સંકટથી ભારતને થયો ધૂમ ફાયદો! 6 મહિનામાં કરી 60,000 કરોડની કમાણી

By: nationgujarat
21 Oct, 2024

India Textile Exports Jumped 60000 Crores: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું દેશમાંથી પલાયન કરી જવુ, તોફાનો અને સત્તાપલટોની ઘટનાના કારણે બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ કથળી છે. બાંગ્લાદેશના અનેક બિઝનેસ લગભગ ઠપ બન્યા છે. પરંતુ બાંગ્લાદેશના આ સંકટનો લાભ ભારતને થયો છે. ભારતની નિકાસને વેગ મળ્યો છે.

ટેક્સટાઈલ નિકાસને વેગ

વિશ્વનો બીજો સૌથી મોટો ટેક્સટાઈલ નિકાસકાર બાંગ્લાદેશમાં વર્ષની શરૂઆતથી કટોકટી સર્જાતાં માર્કેટ ભારત તરફ ડાયવર્ટ થયું છે. યુકે, યુએસએ, યુરોપ સહિત વિશ્વભરમાં ટેક્સટાઈલની નિકાસ કરતાં બાંગ્લાદેશમાં ક્રાઈસિસના કારણે છેલ્લા છ મહિનામાં ભારતીય ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને રૂ. 60 હજાર કરોડનો બિઝનેસ મળ્યો છે. અનેક દેશો બાંગ્લાદેશના બદલે ભારતીય કાપડ બજાર તરફ વળ્યા છે. જેનાથી દેશની નિકાસને વેગ મળ્યો છે.

વાણિજ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, વૈશ્વિક પડકારો વચ્ચે દેશની કાપડ નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન 8.5 ટકા વધી 7.5 અબજ ડોલર (રૂ. 60 હજાર કરોડ) થઈ છે. સપ્ટેમ્બરમાં રેડીમેડ કપડાંની નિકાસ 17.3 ટકા વધી 1.11 અબજ ડોલર (રૂ. 9332 કરોડ) થઈ છે.

 

વિશ્વભરમાં ફેલાયો કારોબાર

બાંગ્લાદેશનો કાપડ બિઝનેસ વિશ્વભરમાં ફેલાયેલો છે. પરંતુ તણાવના લીધે તેને મોટુ નુકસાન થયુ છે. બાંગ્લાદેશ માસિક ધોરણે 3.5થી 3.8 અબજ ડોલરની કાપડ નિકાસ કરે છે. યુરોપિયન દેશોથી માંડી યુકે, અમેરિકા સુધી બાંગ્લાદેશ કાપડની નિકાસ કરે છે. 2022ના આંકડાઓ મુજબ, ચીન બાદ બાંગ્લાદેશ 57.70 હજાર ડોલરની કાપડ નિકાસ કરતો વિશ્વનો બીજો ટોચનો નિકાસકાર છે. ભારત 41.10 હજાર ડોલરની ટેક્સટાઈલ નિકાસ સાથે ચોથો ટોચનો નિકાસકાર દેશ છે.

ભારતને થશે લાભ

બાંગ્લાદેશ સંકટનો સીધો લાભ ભારતને થઈ રહ્યો છે. છેલ્લા છ મહિનામાં ભારતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને મોટો લાભ થયો છે. નિષ્ણાતોના મતે, બાંગ્લાદેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતી ભારતીય કંપનીઓ ફરી પાછો પોતાનો બિઝનેસ ભારતમાં શિફ્ટ કરી શકે છે. નિકાસ ક્ષમતા પણ વધશે.


Related Posts

Load more