અમદાવાદમાં 1 મહિનામાં ગુંડાગીરીના બન્યા 3 મોટા બનાવ, પ્રજામાં ભયનો માહોલ, પોલીસ શું કરી રહી છે?

By: nationgujarat
19 Oct, 2024

ગુજરાતમાં લૂંટ, હત્યા, મારામારી, છેતરપિંડી, અથડામણ, ગુંડાગીરી, રોમિયોગીરી, દુષ્કર્મ, છેડતી, લૂંટ, ચેઈન સ્નેચિંગ, ચોરી, અપહરણ, વ્યાજખોરી, સાઈબર ક્રાઈમ જેવી ક્રાઈમની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ તેમજ સુરતમાં આ પ્રકારની ઘટનાઓ બનતી નજરે પડી રહી છે. તલવાર, પાઈપ, છરી, બંદૂક જેવા જીવલેણ હથિયારો સાથે અસામાજિક તત્ત્વો શહેરમાં ફરી રહ્યા છે. શહેરમાં માથાભારે તત્ત્વોને કાયદોનો ડર રહ્યો જ નથી.  નાની માથાકૂટમાં મોટી બબાલો થઈ રહી છે. મોડી રાત સુધી લુખ્ખા તત્ત્વો વાહનો લઈને બેફામ ફરતા નજરે પડે છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં જ ત્રણ મોટા બનાવ બની ચૂક્યા છે. જેને લઈને શહેરની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં હવે યુપી-બિહાર જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.

વાડજમાં 100 લુખ્ખાઓએ આતંક મચાવ્યો

અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં શુક્રવારે (18 ઓક્ટોબર) યુપી-બિહાર જેવા આતંકના દ્વશ્યો જોવા મળ્યા હતા. અહીં અસામાજિક તત્ત્વોના ટોળાએ જૂની અદાવતનો બદલો લેવા રીતસરનો આતંક મચાવ્યો હતો. આશરે 30 લોકોનું ટોળું તલવારો, પાઇપ અને દંડા લઇને જૂના વાડજની રામ કોલોનીમાં ઘૂસી ગયું હતું. ત્યાં તેમણે સોસાયટીમાં પડેલી સ્થાનિક રહીશોની કારના કાચ પણ ફોડી નાંખ્યા હતા, જેના લીધે લોકોમાં ફફડાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.

વાત જાણે એમ હતી કે મહિના અગાઉ કનુ ભરવાડના નામના વ્યક્તિએ લક્કી સરદાર, શની સરદાર, રાજુ ડાબોડી, જેબુભાઇ નામના ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિના પહેલા કનુ ભરવાડ પોતાના મિત્ર સાથે જઇ રહ્યા હતા ત્યારે આ ચાર લોકોએ તેમની સાથે માથાકૂટ કરી પાઇપો વડે માર માર્યો હતો. જેથી કનુ ભરવાડે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ કનુ ભરવાડે બદલો લેવાના ઇરાદેથી શુક્રવારે પોતાના 30થી વધુ મિત્રો સાથે જૂના વાડજ ખાતે પહોંચ્યો હતો.જોકે, લક્કી સરદાર સહિતના લોકો ઘણાં સમયથી ફરાર હતા જેથી કનુ ભરવાડે રામ કોલોનીમાં આતંક મચાવ્યો હતો. સોસાયટીમાં ઘૂસીને ગાડીઓના કાચ તોડ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ અધિકારીઓને કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જેથી કનુ ભરવાડ અને તેના મિત્રો ઘટનાસ્થળેથી ફરાર થઇ હતા. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

અમરાઈવાડીમાં સોસાયટીમાં તોડફોડ

ગઈકાલે જ અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો. તલવારો, લાકડી-દંડા તથા પાઈપો વડે તેમણે દુકાનો, વાહનોમાં તોડફોડ મચાવતાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકો ભયભીત થઈ ગયા હતા. આવી હિંસક ઘટનાના દ્રશ્યો ત્યાંના સ્થાનિકોએ કેદ કરી લીધા હતા. વીડિયોને જોતા લાગે છે કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં તોફાની તત્વોને પોલીસનો પણ ભય રહ્યો નથી. મળતી માહિતી એક પરિવારના લોકોની બદમાશો સાથે કોઈ બાબતે બબાલ થતાં તેમના પર આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે પીડિત પરિવારે પોતાની જાતને ઘરમાં જ કેદ કરી પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે હજુ પણ તેઓ ભયના ઓથારે જીવવા મજબૂર છે.પોલીસમાં ફરિયાદ કરવા છતાં આવા અસામાજિક તત્વો દ્વારા સતત આ પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલા કરવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે. અમરાઈવાડી પોલીસને જ્યારે આ મામલે જાણ કરાઈ તો તેમણે ફરિયાદ નોંધી ત્વરિત તપાસ હાથ ધરી હતી.

ઘાટલોડિયાના ચાણક્યપુરીની સોસાયટીમાં તોડફોડ

થોડા દિવસો અગાઉ જ અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરીની શિવમ આર્કેડ સોસાયટીમાં લુખ્ખા તત્ત્વોએ દારૂ પીધેલી હાલતમાં આતંક મચાવ્યો હતો. શિવમ આર્કેડમાં ફ્લેટમાં દારૂની મહેફીલ માણ્યા બાદ લુખ્ખા તત્ત્વોએ દાદાગીરી કરી હતી. શખસ નશામાં હોવાથી સ્થાનિકોએ તેને પકડતા હોબાળો મચાવ્યો હતો. શિવમ આર્કેડમાં અસામાજિક તત્વો ઘમાલ મચાવતા સિક્યુરિટીએ રોકતા મામલો બિચક્યો હતો અને તે શખસે અન્ય ગુંડાઓને ફોન કરીને બોલાવ્યા હતા. ત્યારબાદ 20થી વધુના ટોળાએ તલવાર-દંડા, પથ્થર અને ઘાતક હથિયારો સાથે સોસાયટી પર આવીને હુમલો કર્યો હતો.

શિવમ આર્કેડમાં અસામાજિક તતવોએ થોડા દિવસ પહેલા ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ શખ્સોએ ફ્લેટમાં પહેલા તો દારૂની મહેફિલ માણી અને બાદમા ફ્લેટના કમિટી મેમ્બર, સિક્યુરિટી સહિતના લોકો પર બહારથી અન્ય શખ્સોને બોલાવી હુમલો કર્યો હતો. હાલ તો પોલીસે ફ્લેટમાંથી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.આ શખ્સોએ લોકો પર હુમલો કર્યો આતંક મચાવતા આ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને ફ્લેટમાંથી દારૂની બોટલો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ફ્લેટની મહિલાઓએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. મહિલાઓએ જણાવ્યું કે, અનેકવાર કંટ્રોલ રૂમમાં ફોન કર્યો પરંતુ યોગ્ય જવાબ ન મળ્યો. કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ 30 મિનિટ પછી પોલીસ સ્થળ પર આવી હતી.


Related Posts

Load more