લોકરક્ષક દળ-PSIની ભરતી અંગે હસમુખ પટેલનું મોટું નિવેદન, ‘જેમણે બંને પરીક્ષામાં ફોર્મ ભર્યા છે એમને…’

By: nationgujarat
19 Oct, 2024

Gujarat Police Exam : ગુજરાતમાં પોલીસ વિભાગમાં ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. આ ભરતી અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્ત્વની માહિતી આપી છે. તેમણે લોકરક્ષક દળ અને પીએસઆઈ બંનેમાં ફોર્મ ભર્યા હોય તેમને મૂંઝવતા સવાલોના જવાબો આપ્યા છે. આ સાથે ભરતીની તારીખોનો પણ અંદાજ આપ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે પ્રકારનું આયોજન કરાયું છે.

PSI-લોકરક્ષક દળ બંનેમાં ફોર્મ ભરનારાની પરીક્ષા અંગે શું કહ્યું?

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ‘લોકરક્ષક દળ અને પીએસઆઈ ભરતીની શારીરિક પરીક્ષા વહેલા લેવાનું આયોજન છે. જે યુવાનોએ લોકરક્ષક દળ અને પીએસઆઈ બન્ને માટે ફોર્મ ભર્યા છે તેમની શારીરિક કસોટી પહેલા યોજાશે અને તે બાદ તેની લેખિત પરીક્ષાની કામગીરી યોજાશે. પોલીસ ભરતી માટે શારીરિક કસોટીની કામગીરી 25 નવેમ્બરની આસપાસ યોજવાની તૈયારી કરી રહ્યા છીએ. બન્ને પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે તેમની શારીરિક કસોટી બાદ માત્ર લોકરક્ષક દળ માટે ફોર્મ ભર્યું છે તેમની શારીરિક કસોટી યોજવામાં આવશે. શારીરિક કસોટીમાં સફળ થનારા ઉમેદવારો લેખીત પરીક્ષા સુધી પહોંચશે.’

હસમુખ પટેલે શું આપી માહિતી?

  • 25 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી લેવામાં આવશે.
  • લોકરક્ષક દળ અને પીએસઆઈની શારીરિક કસોટી 45 દિવસ સુધી ચાલશે.
  • PSIની લેખિત પરીક્ષા ડિસેમ્બર અંત અથવા જાન્યુઆરીમાં યોજાઈ શકે.
  • લોકરક્ષક દળની લેખિત પરીક્ષા જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીમાં લેવાઈ શકે.
  • શારીરિક કસોટી માટે ઉમેદવારોને મેદાન ઉપલબ્ધ કરાવવા માટે સંસ્થાઓને અપીલ.
  • રાજ્યના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પણ શારીરિક તૈયારીઓ માટે ઉપલબ્ધ કરાવાશે.
  • ઉમેદવારો માટે હેલ્પ લાઈન નંબર આપવામાં આવશે.
  • એક કરતાં વધુ ફોર્મ ભર્યું હશે તેના બધા જ ફોર્મ મર્જ કરવામાં આવશે.

હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ‘લેખિત કસોટી વહેલા લેવા માંગીએ છીએ. પહેલું પ્રશ્ન પત્ર છે તે હેતુલક્ષી ઓએમઆર, નિબંધલક્ષી પ્રશ્ન પત્ર છે. પીએસાઈની પરીક્ષા જલ્દીથી લઈને પેપર તપાસવામાં વધુ સમય ના લાગે એટલા માટે આ રીતે કરી રહ્યા.’

‘ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ’

હેલ્પલાઈન અંગે માહિતી આપતા હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ‘સપ્ટેમ્બરમાં ફોર્મ ભર્યા ત્યારે હેલ્પલાઈન શરૂ કરી હતી અને હજુ તે નંબર ચાલુ જ છે. અમે શારીરિક પરીક્ષા માટે કોલલેટર ઈશ્યૂ કરીશું ત્યારે પણ હેલ્પલાઈનનો ઉપયોગ કરીશું. બે વખત ફોર્મ ભર્યા છે તેમના ફોર્મ મર્જરની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે અમે વેબસાઈટમાં માહિતી આપીશું. ગત વખત જે 15 થી 17 લોકેશન હતા એ જ લોકેશન રહેશે. લોકરક્ષક દળના 11 લાખ ઉમેદવાર, લોકરક્ષક-પીએસઆઈના 4 લાખ 38 હજાર ઉમેદવાર, માત્ર પીએસઆઈના 60 હજાર ઉમેદવાર છે.’

આ પણ વાંચો : સરકારી નોકરીની તૈયારી કરતા ઉમદવારો માટે ખુશખબર, GPSCએ જાહેર કરી ભરતી

‘પરીક્ષામાં પૈસા આપનાર અને લેનાર સામે થશે કાર્યવાહી’

લેભાગુ તત્વોથી સાવધાન રહેવા હસમુખ પટેલે સલાહ આપી છે. હસમુખ પટેલે ઉમેદવારોને ચેતવ્યા છે કે, ‘ઉમેદવારો આવી ભૂલ ના કરે. જેમણે પણ પૈસા લીધા છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ છે અને જેમણે પૈસા આપ્યા છે તેમને ભવિષ્યની પરીક્ષા માટે રદ કર્યા છે. તેથી પૈસા આપવાના ચક્કરમાં પડશો નહીં. પરીક્ષાની તૈયારી કરો અને સારી રીતે સફળ થાઓ.’


Related Posts

Load more