સરકાર ટુંક સમયમાં પાક સહાયની જાહેરાત કરશે’, ખેડૂતોને કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી હૈયાધારણા

By: nationgujarat
18 Oct, 2024

Gujarat Farmers Compensation : આ વર્ષે ગુજરાતભરમાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસતા ખેડૂતોના પાક અને જમીન ધોવાયા હતા. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે અને પાકની નુકસાનીમાં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને સરકારની સહાયના નામે ફદિયું પણ મળી શક્યું નથી. દિવાળીના તહેવારો માથા પર છે ત્યારે કૃષિ વિભાગ દ્વારા સર્વેમાં ખુબ મોડું કરાયું હોવાનું સામે આવી રહ્યું છે. આ વચ્ચે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને હૈયાધારણા આપી છે. રાઘવજી પટેલના નિવેદનથી લાગી રહ્યું છે કે, રાજ્યના ખેડૂતોના ટુંક સમયમાં વળતર ચૂકવવામાં આવી શકે છે. નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે.

સરકાર ટુંક સમયમાં સહાયની જાહેરાત કરશે : રાઘવજી પટેલ

હિંમતનગરના નવા રાજપુર ખાતે હોસ્ટેલ ભવનના લોકાર્પણ સહિતના કાર્યક્રમ સમયે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, વિધાનસભા વખતે જ 350 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી. અતિવૃષ્ટિથી જુલાઈ અંતમાં નુકસાન થયું હતું તેની ચૂકવણીનું કામ ચાલું છે. ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતીના પાકને અને ખેતીની જમીનના ધોવાણને નુકસાન થયું હતું તેના માટે સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સરકાર ટુંક સમયમાં સહાયની જાહેરાત કરશે. આ તમામ સર્વે કરીને ચૂકવણી કરવાની હોય છે. આવડા મોટા રાજ્યમાં સર્વેની કામગીરી કરવી એ વિકટ કામ છે. અઠવાડિયા સુધી વરસતા વરસાદમાં ખેતરોમાં પાણી ભરાયેલા હતા. એટલે સર્વે થોડો મોડો થયો છે. જેના પરિણામ હવે ટુંક સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે.

14 જિલ્લામાં ખેતીના પાકો નષ્ટ થઈ ગયા

કેન્દ્ર સરકારના 2016ના મેન્યુઅલ પ્રમાણે કુદરતી આપત્તિમાં રાજ્યોને પુરતી સહાય આપવી જોઈએ. આ વખતે રાજ્યમાં 140 ટકા વરસાદ થયો છે અને 14 જિલ્લામાં ખેતીના પાકો નષ્ટ થઈ ગયા છે. જે પાક બચ્યાં છે તેમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે એટલે કે પ્રોડક્ટિવિટી ઘટી ગઈ છે, પરિણામે ઉત્પાદન પણ ઓછું થવાનો ભય છે. રાજ્યના 15 જિલ્લામાં સરકારે લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ.

‘ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયાનું નુકશાન’

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યના ખેડૂતોના પાક આ વર્ષે પાણીમાં ગયા છે. અમારા અંદાજ પ્રમાણે ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયાનું નુકશાન છે, પરંતુ ફુલ નહીં તો ફુલની પાંખડી પ્રમાણે સરકાર જે સહાય ચૂકવે છે તેમાં પાક નુકશાનીનો આંકડો 10,000 કરોડ રૂપિયા મૂકવો જોઈએ, કે જેથી ખેડૂત પરિવારોની દિવાળી સુધરી શકે.’ મહત્વનું છે કે ભારે વરસાદ અને પૂરના કારણે લાખો હેક્ટર જમીન ધોવાઈ ગઈ છે અને આ ધોવાયેલી જમીનનો કોઈ સર્વે થઇ શક્યો નથી.પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારે જુલાઈના વરસાદથી નુકશાન થયેલા પાક માટે 350 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ તેમાં ખેડૂતોને પિયત નહીં બિન પિયતના ફોર્મ ભરાવ્યા હોવાથી સહાયના માંડ 50 ટકા રકમ મળી શકશે. બીજીતરફ સર્વેમાં ખેડૂતોને 50 ટકા કરતાં વધુ નુકશાન થયું છે, છતાં 33 ટકાથી ઓછું નુકશાન બતાવ્યું છે. કેન્દ્ર સરકારે જે 600 કરોડની સહાય જાહેર કરી છે તે માત્ર ખેતીવાડી માટે નથી તેથી ખેડૂતોને તો તેમાંથી ખૂબ ઓછું ચૂકવણું થવાનું છે.’


Related Posts

Load more