મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહાયુતિની સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. શિંદે કેબિનેટે એક મોટું એલાન કરતાં મુંબઈમાં એન્ટ્રી કરતા તમામ પાંચ ટોલ બૂથ પર લાઇટ મોટર વ્હિકલ માટે સંપૂર્ણ ટોલ માફીની જાહેરાત કરી દીધી. આ નિયમ આજે રાતે 12 વાગ્યે લાગુ થઈ જશે.
આ જાહેરાત બાદ નાના વાહનચાલકોએ તમામ પાંચ ટોલ બૂથ દહિસર, મુલુંડ, વાશી, એરોલી અને તિન્હંત નાકા પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. મહાયુતિનો આ નિર્ણય આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે લેવામાં આવ્યો છે. અગાઉ પણ કેબિનેટે તમામ જાતિ વર્ગને આકર્ષિત કરવા માટે જાતિ આધારિત કેટલાક લાભો જાહેર કર્યા હતા. આ બેઠકમાં નાણા મંત્રાલય દ્વારા મૌલાના આઝાદ નિગમના ભંડોળમાં વૃદ્ધિ, મદરેસામાં શિક્ષકોના ફંડમાં વૃદ્ધિ, વાણી, લોહાર, નાથ પંથના સમુદાયો માટે નિગમ બનાવવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના મંત્રી દાદાજી દગડૂ ભુસેએ જણાવ્યું હતું કે, મુંબઈમાં એન્ટ્રી દરમિયાન દહિસર ટોલ, આનંદ નગર ટોલ, વૈશાલી, એરોલી અને મુલુંડ સહિત પાંચ ટોલ પ્લાઝા પર રૂ. 45 અને રૂ. 75 વસૂલવામાં આવે છે. જે 2026 સુધી લાગુ હતો. પરંતુ આ નિર્ણયથી હવે કોઈ ટોલ ભરવો પડશે નહીં. અહીંથી 3.5 લાખ વાહનોની અવરજવર થતી હોય છે. જેમાં 70 હજાર ભારે વાહનો અને 2.80 લાખ લાઈટ વ્હિકલ્સ હોય છે. સરકારે રાત્રે 12 વાગ્યા બાદ આ લાઈટ વેઈટ વ્હિકલ્સને ટોલમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જેથી લોકોને લાઈનમાં ઉભા રહેવાનો સમય બચશે. સરકાર કેટલાક મહિનાથી આ ચર્ચા કરી રહી હતી. આ નિર્ણય ક્રાંતિકારી છે.
ઉલ્લેખનીય છે, મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં મનસે સહિત અનેક કાર્યકરો ટોલ ટેક્સ માફ કરવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. હાલમાં જ યુબીટી સેના અને રાજ્યના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ પણ મુંબઈમાં ટોલ માફ કરવાની માગ કરી હતી.