રાતોરાત મનપાએ ખેલ પાડ્યો! અમદાવાદમાં બિલ્ડરના લાભ માટે 200 વર્ષ જૂની ઐતિહાસિક દીવાલ તોડી પાડી

By: nationgujarat
03 Oct, 2024

AMC Broke Heritage wall: વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર અમદાવાદ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં આવેલી આશરે 200 વર્ષ જૂની ઐતિહાસિક દીવાલને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાતોરાત તોડી પાડવાનો નવો વિવાદ ઉભો થયો છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે, બિલ્ડરના લાભાર્થે એએમસીના સત્તાધીશોએ આ પુરાતન દીવાલનો ભોગ લીધો છે. સામાપક્ષે દીવાલ તોડી હોવનો સ્વીકર કરી અધિકારીઓએ ટીપી રસ્તા પર દીવાલ હોવાનું તેમજ વધતાં ટ્રાફિકને ધ્યાને લઈ દીવાલ તોડી હોવાનો લૂલો બચાવ કર્યો છે.

અમદાવાદ શહેરને વિશ્વ ઐતિહાસિક ધરોહર તરીકેનો દરજ્જો મળ્યો છે. પરંતુ શહેરમાં દરવાજાઓ, સીદી સૈયદની જાળી, ભદ્રનો કિલ્લો, માણેક બુરજ જેવા પાંચ-સાત સ્મારકોને બાદ કરતા બધાની હાલત અતિશય દયનીય થઈ રહી છે. આ સ્થળોની જાળવણી કરવાની વાત તો દૂર રહી, પરંતુ મ્યુનિ. એ જાતે જ ઐતિહાસિક દીવાલ તોડી પાડી હોવાની ઘટના સામે આવી છે.

બિલ્ડરના લાભ માટે તોડી 200 વર્ષ જૂની દીવાલઃ વિપક્ષ

વિપક્ષે આરોપ લગાવ્યો છે કે, આસ્ટોડિયા પાસે આશાભીલ ગાર્ડન, ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસેની આશરે 200 વર્ષ જૂની દીવાલ એએમસીએ રાતોરાત બિલ્ડરના લાભાર્થે તોડી પાડી છે. આ સાથે જ વિપક્ષે એએમસીના આ કૃત્યની નિંદા કરતા ફરી એક વખત દીવાલ બનાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

મનપાએ કર્યો બચાવ

આ દીવાલ વિશે વાત કરતાં મધ્ય ઝોનના ડે. એસ્ટેટ ઓફિસર અને ટીડીઓએ જણાવ્યું કે, આ દીવાલનો સમાવેશ કેન્દ્ર કે રાજ્યના પુરાતત્વ વિભાગની યાદીમાં સમાવેશ થતો નથી. આ દીવાલ રોડ લાઇનની કપાતમાં આવે છે. 24.38 મીટરના ટીપી રોડમાં કપાતમાં આવતી 181.15 મીટર લંબાઈની દીવાલ તોડવા માટે સક્ષમ સત્તાની મંજૂરી લેવામાં આવી છે. હેરિટેજ કન્ઝર્વેશન કમિટી દ્વારા પણ આ દીવાલ તોડવાની ભલામણ કરવામાં આવી છે. આ રોડ પર વધી રહેલાં ટ્રાફિકને લઈને દીવાલ તોડી પાડવામાં આવી છે.


Related Posts

Load more