સલામત ગુજરાતના બણગાં ફુંકવામાં આવી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર પણ સલામત રહ્યો નથી. ભાજપના શાસનમાં અસામાજીક તત્ત્વોને જાણે ખુલ્લો દોર મળ્યો છે. ખાખી વર્દીનો ખોફ જ રહ્યો નથી. મુખ્યમંત્રીના મત વિસ્તાર ચાણક્યપુરીમાં લુખ્ખાઓએ તલવારો લહેરાવીને રીતસર આતંક મચાવ્યો હતો. આ જોતાં એ વાત પ્રસ્થાપિત થઇ રહી છે કે, ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જેવું કશું છે જ નહીં.
સલામત ગુજરાતના દાવા વચ્ચે ભાજપના શાસનમાં કાયદો-વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા
ગુજરાતમાં જે રીતે એક પછી એક ઘટનાઓ બની રહી છે તે જોતાં એવુ ચિત્ર ઉપસ્યુ છે કે, અસામાજીક તત્ત્વો બેકાબૂ બન્યાં છે જ્યારે સામાન્ય નાગરિક ડર અનુભવી રહ્યાં છે. શાંત-સલામત ગુજરાતમાં દારુ, જુગાર, ડ્રગ્સની બદી તો બેકાબૂ બની છે પણ સાથે સાથે દિકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓએ પણ આમજનતાને ચિંતામાં મુકી દીધી છે.
રવિવારની મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ચાણક્યપુરમાં લુખ્ખા તત્ત્વોએ દારૂની પાર્ટી યોજી હતી. જાહેરમાં તલવારો લહેરાવીની સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. એટલુ જ નહીં, મહિલાઓ સાથે છેડતી પણ કરી હતી. હવે જો મુખ્યમંત્રીના મતવિસ્તારમાં જ યુપી-બિહારવાળી થતી હોય તો સલામતીની વાત જ ક્યાં માંડવી.
આ ઘટના બાદ લોકો જ કહી રહ્યાં છે કે, જાહેરાતો કરવામાં મક્કમ મુખ્યમત્રી અસામાજીક તત્ત્વો વિરૂદ્ધ મક્કમ પગલાં ભરશે ખરાં? મુખ્યમંત્રીના મતવિસ્તારમાં લુખ્ખા તત્ત્વોના આતંકે જ પોલીસની સરેઆમ નિષ્ફળતાને છતી કરી દીધી છે. ગૃહમંત્રી તો ગુજરાતમાં કોઇપણ ઘટના બને એક તકીયાકલામ કરી રહ્યાં છે કે,કોઇપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં પણ સુરક્ષિત ગુજરાતની બડાઇ હાંકવામાં આવે તો ક્યાં છે સલામત ગુજરાત?
ગાંધી-સરદાર પટેલના ગુજરાતને કલંકિત કરતી ઘટના બની છે ત્યારે ભાજપના નેતાઓના મોં સિવાઇ ગયા છે. જો આવી જ ઘટના અન્ય રાજ્યમાં બની હોત તો ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા પર ઢગલાબંધ કોમેન્ટો કરી પ્રતિક્રિયા આપી હોત .ખુદ ગૃહમંત્રીએ પણ ટ્વિટ કરી દીધુ હોત પણ મુખ્યમંત્રીના મત વિસ્તારમાં ઘટના બની છે ત્યારે કોઇ હરફ ઉચ્ચારવા તૈયાર નથી.