જિલ્લા સહકારી ક્ષેત્રની ચૂંટણીને લઇને જયેશ રાદડિયાએ મોટું નિવેદન આપ્યું છે. સહકારી વિભાગની ચૂંટણીઓને લઈને હુંકાર કર્યો કે, જિલ્લા બેંક સહિતની સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ખીલ્લી પણ હલવાની નથી. સહકારી ક્ષેત્રની ચૂંટણી ૯૦ બિનહરીફ થશે તેવો વિશ્વાસ અપાવુ છું. જ્યાં ૧૦ ટકા ચૂંટણી થશે ત્યાં પણ આપણે જોઇ લેશું. ખિલ્લી હલવા નહિ દઉં. જિલ્લાની ૯૫ ટકા સહકારી મંડળીઓ બિનહરીફ થઇ છે. જે 5 ટકામાં ચૂંટણી થઇ ત્યાં પણ આપણી જ પેનલનો વિજય થયો છે.
ગત રોજ જામકંડોરણા ખાતે સાધારણ સભા યોજાઈ હતી. રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિતની 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભાના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામકંડોરણા ખાતે હાજરી આપી હતી. ખુલ્લી જીપમાં સવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકોનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું. ખુલ્લી જીપમાં જયેશ રાદડીયા પણ સાથે રહ્યા હતા. આ પ્રસંગે ભરત બોઘરા, રામ મોકરીયા, કાંતિ અમૃતિયા, રાઘવજી પટેલ, દિલીપ સંઘાણી, રમેશ ટીલાળા, દુર્લભજી દેથરીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રમાં નવી યોજનાઓને પણ ખુલ્લી મુકી હતી.ત્યારે આ પ્રસંગે જિલ્લા સહકારી ક્ષેત્રની ચૂંટણીને લઈને જયેશ રાદડિયાએ સહકારી વિભાગની ચૂંટણીઓ મુદ્દે કહ્યું કે, જિલ્લા બેંક સહિતની સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ખીલ્લી પણ હલવાની નથી. જિલ્લાની ૯૫ ટકા સહકારી મંડળીઓ બિનહરીફ થઇ છે. જે ૫ ટકામાં ચૂંટણી થઇ ત્યાં પણ આપણી જ પેનલનો વિજય થયો છે.
જયેશ રાદડિયાએ કહ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી હું સરકારી ક્ષેત્રનું માળખું સંભાળી રહ્યો છું, વર્ષ ૨૦૧૭માં જ્યારે વિઠ્ઠલભાઈનું નિધન થયું ત્યારે સહકારી માળખાનું શું થશે તે જિલ્લાભરના ખેડૂતો અને સભાસદોને પ્રશ્ન હતો, પરંતુ ગર્વ સાથે કહેવું પડે કે આ સહકારી માળખાને દેશની ઉંચાઇ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. મારા પિતા સાથે કામ કરી રહેલા ડિરેક્ટરોએ પણ મારા પર વિશ્વાસ મુકીને હંમેશા ખેડૂતના હિતમાં નિર્ણય કર્યા છે. તાજેતરમાં સહકારી મંડળીઓની ચૂંટણી યોજાઇ હતી, જેમાં ૮૫થી ૯૦ ટકા મંડળીઓ બિનહરીફ થઇ હતી જે ૧૦ ટકા મંડળીઓમાં કોઇ કારણોસર ચૂંટણી થઇ તેમાં આપણા જ ટેકેદારો વિજય થયા છે. નજીકના દિવસોમાં સાત આઠ મહિનામાં જિલ્લા સહકારી બેંક, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સહિતની સહકારી વિભાગની ચૂંટણી આવશે.
તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂત અને ખેતી મજબૂત બન્યા છે. સહકારથી સમૃદ્ધિ માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિતની 7 સંસ્થાઓ કામકાજ કરી રહી છે. બેંકની કુલ થાપણ 9,000 કરતા પણ વધુ છે. બેંક 15% ડિવિડન્ડ આપે છે. નાના લોકોની મોટી બેંક તરીકે જિલ્લા સહકારી બેંક ઉભરી આવી છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ગોપાલ ડેરી ચલાવી પશુપાલકોના હાથ મજબૂત કરી રહી છે.