વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ઘણાં દેશો સંજોગોને કારણે પાછળ રહી જાય છે, પરંતુ કેટલાક દેશો જાણીજોઈને આવા નિર્ણયો લે છે જેના પરિણામ ગંભીર આવે છે. આપણો પાડોશી પાકિસ્તાન તેનું મુખ્ય ઉદાહરણ છે. આજે આપણે જોઈએ છીએ કે પાકિસ્તાને જે બુરાઈઓ બીજાઓ પર થોપવાના પ્રયત્નો કર્યો છે તે આજે પાકિસ્તાનને ગળી જવા માટે તૈયાર છે. તે દુષ્કૃત્યો તેના જ સમાજને નુકસાન પહોંચાડે છે. તે વિશ્વને દોષી ઠેરવી શકતો નથી. આ માત્ર કર્મનું પરિણામ છે.’
‘પાકિસ્તાનનો સરહદપારનો આતંકવાદ સફળ નહીં થાય’
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કાશ્મીરની સ્થિતિને પેલેસ્ટાઈન સાથે સરખાવ્યા બાદ એસ. જયશંકરે ખાસ કરીને પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, ‘અમે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કેટલાક વિચિત્ર દાવા સાંભળ્યા. મને ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા દો. પાકિસ્તાનની સરહદપાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેને સજા નહીં મળે તેવી કોઈ આશા રાખવી જોઈએ નહીં. અમારી વચ્ચે જે મુદ્દો ઉકેલવાનો છે તે પાકિસ્તાન દ્વારા ગેરકાયદે રીતે કબજે કરેલા ભારતીય વિસ્તારને ખાલી કરવાનો છે.’
એસ. જયશંકરે ઘણાં મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એસ. જયશંકરે ગાઝા યુદ્ધ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા સળગતા મુદ્દાઓ વિશે પણ વાત કરી. 79મી UNGA થીમ ‘Leaving no one behind’ને સમર્થન આપતા જયશંકરે કહ્યું કે, ‘અમે મુશ્કેલ સમયમાં અહીં ભેગા થયા છીએ. સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વને વધુ સારું સ્થાન બનાવવા માટે પગલાં લેવા જોઈએ, એમ કહીને કે આ એટલા માટે ન કરવું જોઈએ કારણ કે તે વિદેશી પ્રભાવોની સ્પર્ધા છે, પરંતુ કારણ કે જો આપણે આ રીતે ચાલુ રાખ્યું તો વિશ્વની સ્થિતિ વધુ ખરાબ થશે.’
પાકિસ્તાની પીએમએ કર્યો કાશ્મીરનો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે UNGAમાં સંબોધન દરમિયાન પેલેસ્ટાઈન અને જમ્મુ કાશ્મીરના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ‘કાશ્મીરનો મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર પરિષદના એજન્ડામાં છે.’ શહબાઝ શરીફે ભારતના આંતરિક મામલાઓમાં પણ આ દરમિયાન દખલ કરવાના પ્રયાસ કર્યા. તેની સાથે જ ભારત પર કેટલાક ખોટા અને પાયાવિહોણા આરોપ પણ લગાવ્યા.