ભક્તનું જીવન નિયમશીલ – ચારિત્ર્યશીલ હોવું જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – આનંદધામ હીરાપુર ખાતે ભાદરવા સુદ માસની પૂર્ણિમા નિમિત્તે કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીશ્રીની માસિક અંતર્ધાન તિથિની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધૂન,ગોડી,કીર્તન,સમૂહ પારાયણ – સમૂહ આરતી કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનના ભક્તનું જીવન નિયમશીલ – ચારિત્ર્યશીલ હોવું જોઈએ. કપાળમાં ટીલું અને નિયમમાં ઢીલું એવા ભક્તો ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાન રાજી થતાં નથી.
ભગવાનને રાજી કરવા હોય તો, તેમના નિયમો પાળવામાં મક્કમતા રાખવી જોઈએ. જે શૂરવીર થઈને ભગવાનની આજ્ઞા પાળે છે, તેની ઉપર જ ભગવાનની કૃપા થાય છે.
જે ભગવાનના નિયમ દ્રઢ પાળે છે, તેની ભગવાન રક્ષા અવશ્ય કરે જ છે.
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સમગ્ર જીવન ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સાથે રહીને,તેમની આજ્ઞા પ્રમાણે જીવ્યા છે અને તેમના સિદ્ધાંતો માટે જ તેમણે કુમકુમ મંદિરની સ્થાપ્ના કરી છે, તો આપણે તેમના ચિંધેલા માર્ગે જીવન જીવવું રહ્યું.
આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાનનાં ભક્તો જેટલી આજ્ઞા પાળે તેટલું સુખ થાય છે, જેટલી ભગવાનની આજ્ઞા લોપાય છે,તેટલું દુઃખ થાય છે. તેથી ભગવાનની આજ્ઞાઓ અવશ્ય પાળવી જોઈએ.