ગુજરાતમાં નકલીના કારોબાર વચ્ચે હવે લોકો અટવાયા છે. અસલી નકલી ઓળખવું મુશ્કેલ બની ગયું છે. નકલી સાબુ, નકલી ઈનો બાદ હવે નકલી ગુટખાનો પર્દાફાશ થયો છે. નકલી ગુટખામાં વેપારીઓને નફો વધારે મળે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ નુકસાનકારક છે.
ડુપ્લીકેટ ગુટખા દિલ્હીથી સુરત આવતો
સુરત પોલીસના હાથે એક મોટી સફળતા લાગી છે. છેલ્લા કેટલાક સમયથી ડુપ્લીકેટ ગુટખા બનાવવાનું ગોડાઉન સુરતના સારોલી વિસ્તારમાં ધમધમી રહ્યું હતું. જ્યાં પીસીબી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા રેડ પાડવામાં આવી હતી અને પોલીસના હાથે રૂપિયા 6 કરોડનો ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો દિલ્હીથી સુરત સારોલી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આવતો હતો અને ત્યાંથી મુંબઈ મોકલવામાં આવતો હતો.
સુરત પીસીબી પોલીસને બાતમી મળી હતી કે સારોલી વિસ્તારમાં આવેલા પ્રિન્સ એસ્ટેટના ક્રિયા શક્તિ લોજિસ્ટિકમાં ડુપ્લીકેટ ગુટખા નો જથ્થો છુપાવવામાં આવ્યો છેસ જે બાતમીના આધારે pcb એ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ક્રિયા શક્તિ લોજિસ્ટિક પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં પોલીસને અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી કુલ 6 કરોડની કિંમતનો ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો કબજે કર્યો હતો.
આ સાથે પોલીસે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ માં તેઓએ પોતાના નામ સંજય શર્મા, સંદીપ નેણ અને વિશાલ જૈન જણાવ્યું હતું. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી અહીં ડુપ્લીકેટ ગુટખાનું ગોડાઉન ચલાવતા હોવાનું પોલીસ સમક્ષ સામે કબુલાત કરી હતી. આ સાથે મહાવીર નેણ અને અનિલ યાદવ નામના બંને શખ્સો દિલ્હીથી આ ડુપ્લીકેટ ગુટખા સુરત મોકલતા હોવાનું પણ કબુલાત કરી હતી જેથી પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધ ખોળ હાથ ધરી હતી.