અમરેલીના કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુંમરે વિવિધ મુદ્દે ભાજપ સામે પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ડ્રગ્સ, દારૂ, બાયોડીઝલ અને પ્રતિબંધિત અનેક લોકોને હાનિકારક પ્રવૃત્તિઓ ગુજરાતમાં ચાલી રહી છે. અતિવૃષ્ટિનાં કારણે ગુજરાત પાણીમાં તરબતોળ છે અનેક વિસ્તારમાં લીલો દુષ્કાળ પડી ચૂકવો છે. આમ છતાં ભાજપની સભ્ય નોંધણી કરવામાં વ્યક્ત એવી ભાજપ ગુજરાતને કઈ હદે બરબાદ કરવા માંગે છે તે સમજાતું નથી.’
કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુંમરે રાજ્યની સરકાને ડુપ્લિકટ ગણાવતા કહ્યું છે કે, ‘રાજ્યમાં ખાદ્યપદાર્થો, કોલેજ, સ્કૂલો, ઓફિસો, કલેક્ટર, પોલીસ, દૂધ-દહીંથી લઈને અંબાજીનો પ્રસાદ પણ ડુપ્લિકેટ મળતો હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત ભાજપ સભ્ય નોંધણી અભિયાન ચલાવી રહ્યું છે, તે પણ ડુપ્લિકેટ છે.’
પૂર્વ સાંસદ વીરજી ઠુંમરે સરકાર પર નિશાન સાધ્યું
કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુંમરે દાવો કર્યો છે કે, રાજ્યના અનેક વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ અને તે મુદ્દે કરવાની કાર્યવાહીમાં પણ સરકાર નિષ્ફળ રહી છે. ભારે વરસાદમાં ગુજરાત ડૂબ્યું, લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હોવા છતાં સરકાર તેને લીલો દુકાળ જાહેર કરતી નથી. સરકાર કોઈ સહાય આપવા માગતી નથી.
રાજ્યના ખખડધજ રસ્તાઓને લઈને વીરજી ઠુંમરે કહ્યું, ‘રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા તે જ ખબર નથી પડતી. રાજ્યના અનેક શહેર પૂરમાં ડૂબ્યા, પુલો તૂટી રહ્યા છે. પણ સરકાર અને ભાજપના નેતાઓ ફરકતા નથી.’
‘રાજ્ય અને કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે’
ગોંડલમાં આવેલા પ્રતિબંધિત લસણ મુદ્દે વીરજી ઠુંમરે સરકાર પાસે ખુલાસો માગ્યો છે. તેમણે કહ્યું કે, ‘વર્ષ 2006થી પ્રતિબંધિત લસણ ચાઈનાથી ગુજરાત કેવી રીતે આવ્યું? ક્યાં પોર્ટ, દરિયા, રોડ, કે એરપોર્ટથી આવ્યું તેની તપાસ થવી જોઈએ. રાજ્યમાં ચાઈનાથી પ્રતિબંધિત લસણ આવે, ઓડિસાથી ડ્રગ્સ આવે, અન્ય રાજ્યોમાંથી દારૂ આવે છે. રાજ્ય અને કેન્દ્રની સરકાર નિષ્ફળ રહી છે.’
દેશ રોજે રોજ નબળો પડી રહ્યો હોવાના આક્ષેપ સાથે પૂર્વ સાંસદે કેન્દ્ર સરકારને અડેહાથ લેતા કહ્યું કે, ‘પાકિસ્તાન અને ચીને દેશના અનેક ભાગોને પોતાના નકશામાં મૂક્યું છે. પાકિસ્તાને જૂનાગઢ પર પણ દાવો કર્યો છે. ત્યારે 56 ઈંચની છાતી ક્યાં ગઈ?’
આ દરમિયાન તેમણે ગણેશોત્સવમાં ગણપતિ દાદા સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.