આગામી દિવસોમાંડુંગળીના ભાવમાં વધારો થવાની શક્યતા

By: nationgujarat
03 Sep, 2024

નવી દિલ્હી.તા.3
ડુંગળીના ભાવ ફરી વધવા લાગ્યા છે. ગત સપ્તાહ દરમિયાન ડુંગળીના જથ્થાબંધ ભાવમાં પ્રતિ કિલો રૂ.10 અને છૂટક ભાવમાં રૂ.20 નો વધારો થયો હતો. માર્કેટમાં ડુંગળી 40 થી 45 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી જે ભાવ વધારા સાથે 70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. ડુંગળીના ભાવ વધવાનું કારણ મહારાષ્ટ્રમાં વરસાદ હોવાનું કહેવાય છે.

ડુંગળીના જથ્થાબંધ વેપારીઓ પણ આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે. આઝાદપુર મંડીના ડુંગળીના વેપારીનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક સમયથી વરસાદ પડી રહ્યો છે અને રસ્તાઓ બંધ છે, જેના કારણે આવક પર અસર પડી છે. નવો પાક આવશે ત્યારે રાહત થશે, બજારમાં ડુંગળીની આવકનો મોટો હિસ્સો નાશિકથી આવે છે.

વેજીટેબલ ટ્રેડર્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી અનિલ મલ્હોત્રાનું કહેવું છે કે નવો પાક આવે ત્યાં સુધી ડુંગળીના ભાવ વધુ વધી શકે છે. ડુંગળીના વેપારી જણાવ્યું હતું કે, હાલમાં ખેતરોમાં ડુંગળી નથી, જે લોકોએ તેનો સ્ટોક કર્યો છે તેના કારણે જ ભાવ વધી રહ્યાં છે.

પખવાડિયા પહેલાં બજારમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ 25 થી 30 રૂપિયા પ્રતિ કિલો હતો. ગયાં અઠવાડિયે તે રૂ. 30 થી 35 હતો જે વધીને હાલ રૂ. 40 થી 45 પ્રતિ કિલો થઈ ગયો છે.  તાજેતરના વધારા સાથે હવે બજારમાં ડુંગળીની કિંમત 60 રૂપિયાથી વધીને 70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે


Related Posts

Load more