શુ ભાજપ હવે અમદાવાદનુ નામ ખાડાનગરી રાખશે ? અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર ખાડા જ ખાડા!

By: nationgujarat
30 Aug, 2024

Ahmedabad Rain and Pathole on Road News and Updates | અમદાવાદમાં વરસાદ બાદ દેડકાં જોવા મળે કે ના મળે પણ રોડ પર ખાડા તો અવશ્ય જોવા જ મળે છે. ચોમાસા દરમિયાન અમદાવાદના રોડમાં 19626 ખાડા પડી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં 10 ઈંચ વરસાદ પડ્યાને 72 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ યથાવત્‌ છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન ફરી એક વખત પાણીમાં જ બેસી  ગયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખાડા-ભૂવા પડવા કે રોડ બેસી જવાની સૌથી વધુ 5297 ઘટના ઈસ્ટ ઝોનમાં બનેલી છે. રોડમાં ખાડા પડવાની સૌથી વઘુ ઘટનામાં સાઉથ ઝોન 4388 સાથે બીજા, નોર્થ વેસ્ટ ઝોન 3150 સાથે ત્રીજા, નોર્થ ઝોન 2228 સાથે ચોથા સ્થાને છે. આ 19626 પૈકી 19228 રોડ રીપેર પણ કરવામા આવ્યા હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયો છે જ્યારે 398 રોડમાં હજુ કામગીરી બાકી જ છે.

19228 રોડ પૈકી 12218નું વેટમિક્સથી, 5999નું કોલ્ડમિક્સથી, 515નું જેટપેચરથી, 365નું હોટમિક્સથી જ્યારે 131નું ઈન્ફ્રારેડ ટેક્‌નોલોજીને સમારકામ કરવામાં આવેલું છે. જોકે, આ સમારકામ ખરેખર થયું છે કે કેમ અને થયું પણ હશે તો કેટલું ટકશે તે પણ મોટો સવાલ છે. રોડના સમારકામ માટે 308 શ્રમિકો, 36 ટ્રેક્ટર, 110 છોટા હાથીની મદદ લેવામાં આવેલી છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલા પ્રી મોન્સૂન પ્લાન પાછળ અને તે નિષ્ફળ ગયા બાદ તેનાથી બમણો ખર્ચ ચોમાસા દરમિયાન જ કરવામાં આવે છે.

જાણકારોના મતે, અમદાવાદમાં હાલ જાણકારોના મતે, અમદાવાદમાં હાલ ઠેકઠેકાણે ખાડા પડ્યા છે. અમદાવાદ એરપોર્ટ સુધી જવાના રસ્તે પણ મસમોટા ખાડા છે. જેના કારણે બહારથી અમદાવાદ આવતી વ્યક્તિ શહેરના ‘વિકાસ’ અંગે કેવી છાપ લઇને જશે તે સમજી શકાય એમ છે. આ ઉપરાંત શેલા, સાઉથ બોપલ, ગોતા, સેટેલાઇટ, પાલડી, મણિનગરમાં પણ ઠેકઠેકાણે ખાડા પડવાથી લોકો ત્રાહિમામ્‌ પોકારી ચૂક્યા છે. ખાડાને કારણે કમરદર્દ ધરાવતા દર્દીઓની સમસ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.

રાજ્યમાં વરસાદથી રસ્તા અને બ્રિજને પાંચ હજાર કરોડનું નુકસાન

ગુજરાતમાં અવિરત મેઘસવારી પછી સરકાર માટે સૌથી મોટો પડકાર ગંદકી, તૂટેલા માર્ગો અને રોગચાળો છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી મહામારી ફેલાય નહીં તે માટે સરકારે આરોગ્ય વિભાગની ટુકડીઓને દોડાવી છે. વરસાદી પાણી જ્યાં ભરાયા છે ત્યાં ગંદકી ફેલાવાની દહેશત છે. દરમિયાન ભારે વરસાદને કારણે રાજ્યમાં રસ્તાઓ, બ્રિજને રૂપિયા પાંચ હજાર કરોડનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.

રાજ્યમાં હવામાન વિભાગના લક્ષ્યાંક કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ કે નદીના પૂર આવ્યા છે ત્યાં સ્થિતિ વધારે કફોડી છે. ખાસ કરીને વડોદરા, મોરબી, કચ્છ, પોરબંદર, જામનગર, દ્વારકા અને બીજા વધુ વરસાદવાળા વિસ્તારોમાં આરોગ્યની ટીમોને મોકલવામાં આવી છે. હાલની સ્થિતિએ રાજ્યમાં એનડીઆરએફની 17, એસડીઆરએફની 25 અને આર્મીની નવ ટીમો કામ કરી રહી છે. બીજીતરફ ભારે વરસાદના કારણે રાજ્યમાં ધોરીમાર્ગો, સ્ટેટ માર્ગ, અંડર અને ઓવરબ્રીજ, ગ્રામીણ સાથે શહેરી માર્ગોનું પણ ધોવાણ થયું છે.

આ માર્ગોની સમારકામ માટે ત્વરીત ગતિએ પાંચ હજાર કરોડનો ખર્ચ થાય તેમ છે. જ્યાં વ્યાપક વરસાદ થયો છે તેવા માર્ગો તો વાહનોના ટ્રાફિક માટે કોઇ કામના રહ્યાં નથી. ડામર અને પાણી વચ્ચે મનમેળ નહીં હોવાથી વરસાદ પ્રભાવિત જિલ્લાના 70 ટકા માર્ગોને વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થયું છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 35 મેડિકલ ટીમ પ્રારંભિક તબક્કે મોકલવામાં આવી છે. જેમાં વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન ખાતે 20, વડોદરા જિલ્લામાં 10,  2 ટીમ મોરબી અને 3  ટીમ પોરબંદર જિલ્લામાં મોકલાઇ છે. આ ટીમમાં સુરત થી 5, ભાવનગર થી 5, ગાંધીનગર અને અમદાવાદ થી 10 અને રાજકોટ થી 5 એમ કુલ 35 ટીમને જરૂરી દવા,  સંસાધનો અને એમ્બ્યુલન્સ  સાથે વડોદરા, મોરબી અને પોરબંદર  જિલ્લામાં પાંચ દિવસ માટે પ્રારંભિક મોકલવામાં આવી છે


Related Posts

Load more