અમદાવાદની સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આફતનો વરસાદ એવો વરસી રહ્યો છે કે, ક્યાંક વાહનો તણાઈ રહ્યા છે. તો ક્યાંક લોકો જીવનું જોખમ ખેવા માટે મજબૂર બન્યા છે. ગુજરાતના આકાશમાંથી વરસેલી આફતે લોકોના હાલ બેહાલ કરી નાંખ્યા છે જાણો વિગતવાર ગુજરાત પર આવેલી આફતનો આ અહેવાલ.
ગુજરાતમાં આફતનો વરસાદ કેવી કેવી મુશ્કેલી લઈને આવ્યો છે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. આકાશમાંથી વરસેલી આફતથી ક્યાંક વાહનો તણાયા છે, તો ક્યાંક પાણીના પ્રવાહમાં લોકો જીવનું જોખમ ખેડવા માટે મજબૂર બન્યા છે. તો આ વરસાદે ભ્રષ્ટ તંત્રની પોલ પણ ખોલી નાંખી છે. છોટાઉદેપુર અને મોરબીમાં બ્રિજ બેસી જતાં અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે…
મોરબીના હળવદમાં આકાશમાંથી વરસેલી આફતમાં એક ટ્રેક્ટર કોઝ-વે પર પલટી ગયું. મોડી રાત્રે 17 લોકો ભરીને જતું ટ્રેક્ટર પલટી જતાં તમામ લોકો પાણીના તિવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા. જો કે 10 લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા. પરંતુ 7 લોકોની હજુ પણ શોધખોળ ચાલુ છે. NDRF અને SDRFની ટીમો શોધખોળ કરી રહી રહી છે.પરંતુ સતત પડી રહેલા વરસાદથી રેસ્ક્યૂની કામગીરીમાં વિઘ્ન આવી રહ્યું છે. કલાકોનો સમય થયો છતાં પણ સાત લોકોને શોધી શકાયા નથી.
મોરબીમાં ટ્રેક્ટર પલટ્યું
કોઝ-વે પર પલટ્યું ટ્રેક્ટર
17 લોકો હતા સવાર
10 લોકોને બચાવાયા
7 લોકોની શોધખોળ ચાલુ
ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયું છે. પાણી દહેગામના અનેક રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતાં લોકોનું સ્થળાંતરણ કરવું પડ્યું. ખજૂરી તલાવડી વિસ્તારમાં 100થી વધુ લોકોને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
દહેગામમાં પાણી જ પાણી
સ્થાનિકોનું સ્થળાંતરણ
લોકોને સુરક્ષિત બહાર કઢાયા
પોલીસની મદદથી રેસ્ક્યૂ
આફતનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ભાગડાખુર્ડ ગામની હાલત ખરાબ છે. જ્યાં ઔરંગા નદીના પાણી ફરી વળતાં ગામનો સંપર્ક કપાઈ ગયો. નદીની સપાટીમાં સતત થઈ રહેલો વધારો ગામ માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. ગામમાં આવવા-જવા માટે કોઈ રસ્તો હવે રહ્યો નથી કારણ કે ગામને જોડતાં તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા છે. પાણીનો પ્રવાહ એટલો તિવ્ર અને ભયાનક છે કે આ પાણીમાં ઉતરવાની કોઈ હિંમત કરી શકે તેમ નથી.
આફત બની ઔરંગા
ભાગડાખુર્ડનો સંપર્ક કપાયો
તમામ રોડ-રસ્તા પર પાણી
ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા
વલસાડની સાથે સુરતના હાલ પણ બેહાલ છે. સુરતમાંથી વહેતી તાપી નદીમાં ઘોડાપુર આવ્યું છે. નદી બે કાંઠે થઈ જતાં ફ્લડ ગેટ બંધ કરી દેવાયો છે. આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીમાંથી વહેતો પાણીનો અધધ પ્રવાહ કોઈ પણ આફત નોંતરી શકે છે.
સુરતની તાપીમાં ઘોડાપુર
તાપી નદી બે કાંઠે થઈ
નદીનો આકાશી નજારો
પાણીનો અધધ પ્રવાહ
ચોમાસું શરૂ થયું ત્યારપછી આ પહેલો એવો ધોધમાર વરસાદ છે કે જેણે આફતને નોંતરી છે અને આ આફત ગુજરાતના એક બે નહીં પણ અનેક શહેરો, મહાનગરો અને ગામડાઓમાં આવી છે. હજુ પણ હવામાન વિભાગ અતિભારેથી પણ વધારે વરસાદની આગાહી કરી છે ત્યારે સ્થિતિ કેવી વિકટ બને છે તે જોવું રહ્યું.