Indian Government on Monkeypox : મંકીપોક્સના વધતાં કેસને કારણે દુનિયાના અનેક દેશોમાં ચિંતા વધી છે. એવામાં ભારત સરકાર પણ ઍલર્ટ થઈ ગઈ છે. આજે આરોગ્ય મંત્રી જે. પી. નડડાએ વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ખતરનાક વાયરસ સામે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સાવચેતી રાખવા દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
કેન્દ્રએ આપ્યા દિશા નિર્દેશ
તમામ એરપોર્ટ, બંદર, બોર્ડર પર હેલ્થ યુનિટને સાવચેતી રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે સાથે ટેસ્ટિંગ લેબ તૈયાર કરવી, આઇસોલેશન તથા મેનેજમેન્ટ સહિતની સ્વાસ્થ્ય સુવિધાઓ તૈયાર કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
ભારતમાં એક પણ કેસ નહીં
નોંધનીય છે કે મોટા ભાગે મંકીપોક્સનું સંક્રમણ થાય તો બેથી ચાર સપ્તાહમાં બીમારી આપમેળે જ ઠીક થઈ જાય છે. WHOએ આફ્રિકાના 13 દેશોમાં મંકીપોક્સના કેસ આવ્યા બાદ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી હતી. જોકે રાહતની વાત છે કે ભારતમાં હજુ સુધી આ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.
તમિલનાડુના DPH દ્વારા એરપોર્ટ પર હાઇઅલર્ટના આદેશ આપ્યા છે. ખાસ કરીને કૉંગો તથ્યા આફ્રિકાથી આવતા મુસાફરોને લઈને હાઇઍલર્ટ આપવામાં આવ્યું છે.
WHOએ હાઈ એલર્ટ જાહેર કર્યું
વિશ્વમાં ઘણા લોકો આ રોગનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને આફ્રિકન દેશ કોંગો અને તેની આસપાસના વિસ્તારોમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHOએ આ અંગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ રોગ 2022 કરતા વધુ ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે.
WHOએ શું કહ્યું?
ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એડનેમના જણાવ્યા અનુસાર, મંકીપોક્સના પ્રકોપને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં મોટી વસ્તી આ રોગથી પીડિત છે. ત્યાંના લોકો વારંવાર એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરે છે. રોગચાળો ફેલાવાનો ભય છે. તેથી દરેકે સતર્ક રહેવું જોઈએ.
13 દેશોમાં રોગ ફેલાયો
13 દેશોમાં મંકીપોક્સ રોગના કેસ નોંધાયા છે. કોંગોના પડોશી દેશો કેન્યા, રવાન્ડા, યુગાન્ડા અને બુરુન્ડીમાં પણ મંકીપોક્સના કેસ જોવા મળ્યા છે. 2022માં, આ રોગ અમેરિકા અને યુકે જેવા દેશોમાં પણ જોવા મળ્યો હતો. 58 અમેરિકનો અને હજારો બ્રિટિશ નાગરિકો મંકીપોક્સનો શિકાર બની ચૂક્યા છે.