ગુજરાતમાં કૂપોષણ ઠેરનું ઠેર, અમદાવાદમાં સૌથી વધુ કૂપોષિત બાળકો

By: nationgujarat
14 Aug, 2024

Malnutrition in Gujarat: ગુજરાતમાં કુપોષણની સ્થિતી ચિંતાજનક છે. કુપોષણને કાબુમાં લેવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારે અનેકવિધ પગલાં લીધાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં કુપોષણની સ્થિતીમાં સુધારો થઇ શક્યો નથી. છેલ્લાં ત્રણેક વર્ષમાં કેન્દ્ર સરકારે કુપોષણને કાબુમાં લેવા રૂ. 2879 કરોડ ગ્રાન્ટ ફાળવી છે છતાં પણ ગુજરાતમાં કુલ મળીને 5.70 લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે.

ગુજરાતમાં 5.70 લાખ બાળકો કુપોષણનો શિકાર

ગુજરાતમાં કુપોષણને કાબુમાં લેવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. વર્ષ 2018માં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યાં 1,18,041 હતી જયારે વર્ષ 2023માં આ સંખ્યા વધીને 5,70,305 સુધી પહોંચી છે. આમ, કુપોષણ પાછળ કરોડોનું આંધણ કરાયા પછી પણ કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો નોધાયો છે.

અમદાવાદ જીલ્લામાં સૌથી વઘુ બાળકો કુપોષણનો ભોગ

આખાય ગુજરાતમાં અમદાવાદ જીલ્લામાં સૌથી વઘુ બાળકો કુપોષણનો ભોગ બન્યાં છે. કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી રજૂ કરી છેકે, છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતને મિશન પોષણ 2.0 હેઠળ કુલ મળીને રૂ. 2879 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપરાંત રાજ્ય સરકાર કુપોષણને કાબુમાં લેવા માટે નાણાંકીય બજેટમાં અલાયદી જોગવાઇ પણ કરે છે.

કેન્દ્રએ રૂ. 2879 કરોડ ફાળવ્યાં છતાં કુપોષણનું ચિત્ર સુધર્યુ નહીં    

કુપોષણની પરિસ્થિતીમાં સુધારો આવે તે માટે અનેક યોજનાઓ અમલમાં છે તેમ છતાં પણ કુપોષણનુ ચિત્ર સુધર્યુ નથી. બાળકો-મહિલાઓ સ્વસ્થ રહે, કુપોષણનો શિકાર ન બને તે માટે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકાર પણ કુપોષણમુક્ત ગુજરાતનો દાવો કરે છે પણ પરિસ્થિતીમાં સુધારો આવી શક્યો નથી. આજે પણ હજારો જન્મજાત બાળકો કુપોષિત છે.

સરકારની દલીલ

આ તરફ, ગુજરાત સરકારની દલીલ છે કે, બાળકના જન્મની સ્થિતી, માતાનું આરોગ્ય, બાળકના જન્મનો ક્રમ, સામાજીક-આથિક સ્થિતિ, કૃમિ, વ્યસન, રહેણીકરણી અને ખાનપાનની આદત કુપોષણ માટે મુખ્ય પરિબળ છે. એટલુ જ નહીં, ગરીબ- મઘ્યમ વર્ગ જ નહીં, સુખી સંપન્ન કુટુંબમાં કુપોષણની સમસ્યા છે. આ તરફ, અન્ય રાજ્યમાં ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ છતાં કુપોષણની સ્થિતી સરવાળે સારી છે.


Related Posts

Load more