મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન- હિંડોળા તથા શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃતસાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ

By: nationgujarat
12 Aug, 2024

અત્યારે ચાતુર્માસ ચાલે છે, તેમાં પણ અતિ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સર્વત્ર ભગવાનની ભક્તિ, ધ્યાન ભજન, ભગવાનની કથા વાર્તા ભજન આદિ વિશેષ થાય છે. સ્વયં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને સ્વમુખે સર્વજીવહિતાવહ એવી આચારસંહિતા – શિક્ષાપત્રીના શ્લોક ૭૬ માં આજ્ઞા કરી છે કે, અમારા સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજમાં “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત ગ્રંથ શિરોમણિ “શિક્ષાપત્રી” હિંડોળાની કલાત્મક સજાવટ તેમજ શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃતસાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ શ્રાવણ માસની કથાનું ભકિતભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા વિરચિત દેવભાષા – સંસ્કૃતમાં “શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર” ગ્રંથની પંચ દિનાત્મક ચાતુર્માસ કથા – શ્રાવણ માસની કથા, જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાનાં અનેકવિધ દિવ્ય ચરિત્રો છે. કથાનું રસપાન સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું.

આ પ્રસંગે સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતાં જણાવ્યું હતું કે, શિક્ષાપત્રીની રચના ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં કરી છે. સંવત ૨૦૮૨ મહા સુદ પાંચમ, તા. ૨૩-૧-૨૦૨૬ના રોજ ૨૦૦ વર્ષ પૂર્ણ થશે એટલે કે “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકો લિખિત કલાત્મક મનોરમ્ય હિંડોળા સજાવીને સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર-લેખ. શ્રી સ્વામિનારાયણ ભગવાને ૧૯૮ વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી હતી. જેમાં ૩૫૦ કરતાં વધારે શાસ્ત્રોનો સાર રહ્યો છે. સર્વ શાસ્ત્રોના દોહનરૂપ સાર એટલે શિક્ષાપત્રી. શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં ‘સાગરને ગાગર’ માં સમાવિષ્ટ કરાયો છે. શિક્ષાપત્રી એટલે જીવન જીવવાની જડીબુટ્ટી. શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઈએ તે માટેની જ આજ્ઞાઓ લખી છે, વર્તવાની શીખ આપી છે. શિક્ષાપત્રીની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે.

“શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધી શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી, શ્રી હરિકેશવદાસજી સ્વામી, મહંત શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી, શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી, શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી,
શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાતુર્માસ કથા પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજ, ગ્રંથ, કથાકારનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી. ત્યારબાદ સૌએ ભકિતભાવપૂર્વક મહાપ્રસાદ આરોગ્યો હતો.


Related Posts

Load more