બાંગ્લાદેશના નવા હોમ એડવાઈઝર (ગૃહમંત્રી) સખાવત હુસૈને રવિવારે પૂરતી સુરક્ષા ન કરી શકવા બદલ હિન્દુ સમુદાયની માફી માંગી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે કહ્યું કે હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા કરવી એ મુસ્લિમ બહુસંખ્યકોની ફરજ છે. આ જવાબદારીમાં નિષ્ફળતાનો તેમણે સ્વીકાર કર્યો. તેમણે સમુદાયને ભવિષ્યમાં સુરક્ષાનું આશ્વાસન આપ્યું અને સુધારની આશા વ્યક્ત કરી. આ ઉપરાંત વચગાળાની કેબિનેટે ગુરુવારે રાતે પોતાના સભ્યોના શપથ ગ્રહણ બાદ રવિવારે અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસા પર પહેલું નિવેદન આપ્યું. નિવેદનમાં કહ્યું કે કેટલાક સ્થળો પર ધાર્મિક અલ્પસંખ્યકો પર હુમલાને ગંભીર ચિંતા સાથે જોવામાં આવ્યા છે. કેબિનેટે કહ્યું કે તે આ પ્રકારના જઘન્ય હુમલાઓનો ઉકેલ લાવવા માટે પ્રતિનિધિ યુનિટ્સ અને અન્ય સંબંધિત સમૂહો સાથે તરત બેઠક યોજશે.
સરકારનું વચન
બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ મામલાઓના સલાહકાર બ્રિગેડિયર જનરલ (સેવાનિવૃત્ત) સખાવત હુસૈને સોમવારે કહ્યું કે હિન્દુ સમુદાયના આગામી જન્માષ્ટમી સમારોહ દરમિયાન તમામ જરૂરી સુરક્ષા આપવામાં આવશે. ધ ડેઈલી સ્ટાર મુજબ તેમણે એમ પણ કહ્યું કે તેઓ સલાહકાર પરિષદથી બાંગ્લાદેશમાં સમુદાયના સૌથી મોટા ઉત્સવ દૂર્ગા પૂજા માટે ત્રણ દિવસની જાહેર રજાની પણ ભલામણ કરશે. ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ આ વખતે 26 ઓગસ્ટે ઉજવાશે. આ સાથે જ હુસૈને સોમવારે પ્રદર્શનકારીઓને 19 ઓગસ્ટ સુધીમાં તમામ કાયદેસર કે ગેરકાયદેસર હથિયારો પણ જમા કરાવવાનું કહ્યું છે. જેમાં હાલમાં જ હિંસા દરમિયાન એજન્સીઓ પાસેથી લૂંટેલી રાઈફલો પણ સામેલ છે.
નહીં તો કાર્યવાહી!
ધ ડેઈલી સ્ટાર અખબારના સમાચાર મુજબ હુસૈને કહ્યું છે કે જો આ હથિયાર પાસેના પોલીસ સ્ટેશનોમાં જમા ન કરાવ્યા તો અધિકારીઓ સર્ચ અભિયાન ચલાવશે અને જો કોઈની પાસેથી મળી આવશે તો તેમના વિરુદ્ધ કેસ દાખલ થશે. હુસૈન કમ્બાઈન્ડ મિલિટ્રી હોસ્પિટલમાં અર્ધ સૈનિક દળ બાંગ્લાદેશ અંસારના સભ્યોને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા હતા.
શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ હિન્દુઓ પર હુમલા
અત્રે જણાવવાનું કે પીટીઆઈ ભાષા મુજબ બાંગ્લાદેશી હિન્દુઓએ શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદથી રાજીનામું આપ્યા બાદ દેશ છોડી ભારત આવ્યા પછી હિંસા અને લૂટફાટનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક હિન્દુ મંદિરો, ઘરો અને વેપારી પ્રતિષ્ઠાનોમાં તોડફોડ કરાઈ છે. બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા ઓછામાં ઓછા બે હિન્દુ નેતા હિંસામાં માર્યા ગયા છે.
હિન્દુ સમુદાયનું પ્રદર્શન
બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને ઉત્તર પૂર્વ પોર્ટ શહેર ચટગાંવમાં શનિવારે સતત બીજા દિવસે અલ્પસંખ્યક હિન્દુ સમુદાયના હજારો સભ્યો મોટા પાયે રસ્તાઓ પર ઉતર્યા અને વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે દેશભરમાં મંદિરો, તેમના ઘરો, અને વ્યવસાયો પર હમલા વચ્ચે સુરક્ષાની માંગણી કરી. પ્રદર્શન કરી રહેલા હિન્દુ સમુદાયના લોકો અલ્પસંખ્યકો પર અત્યાચાર કરનારાઓ વિરુદ્ધ કેસ ચલાવવામાં તેજી લાવવા માટે વિશેષ ન્યાયધિકરણોની સ્થાપના, અલ્પસંખ્યકો માટે 10 ટકા સંસદીય સીટ, અલ્પસંખ્યક સંરક્ષણ કાયદો લાગૂ કરવાની માંગણીઓ કરી રહ્યા છે.
52 જિલ્લામાં ઉત્પીડનની 205 ઘટનાઓ
ઢાકા ટ્રિબ્યુન અખબાર મુજબ અલ્પસંખ્યકોના અધિકારોની વકીલાત કરનારા એક પ્રમુખ સંગટઠન બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ઈસાઈ ઓઈક્યા પરિષદે મુખ્ય સલાહકાર ડો. મુહમ્મદ યુનુસને એક ઓપન પત્ર લખ્યો છે જેમાં પાંચ ઓગસ્ટે શેખ હસીના સરકારના પતન બાદથી 52 જિલ્લામાં ઉત્પીડનની 205 ઘટનાઓનું વિવરણ આપવામાં આવ્યું છે.