અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ, ગાંજો સહીતના નશીલા પદાર્થની હેરાફેરી વધી રહી છે. પૈસા કમાવવાની લાલચમાં આરોપીઓ યુવાધનને નશીલા પદાર્થના રવાડે ચઢાવીને બરબાદીના માર્ગે વાળી રહ્યા છે.
ક્રાઇમ બ્રાંચ એસઓજીની ટીમે ખમાસાના આરોપીને રૃા. ૧.૬૨ લાખના ૧૬ ગ્રામ ૨૫૦ મિલીગ્રામ મેફાડ્રોનના ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડયો હતો અને તેને ડ્રગ્સ આપનારા દરિયાપુરના સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાંચ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી હતી કે માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમદરવાજા પાસે સેનચ્યુરી માર્કેટ પાસે એક શખ્સ ડ્રગ્સનું છૂટક વેચાણ કરવા આવાનો છે.
બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ શખ્સને પકડ્યો હતો અને તેનું નામ પૂછતા ખમાસા વિસ્તારમાં પારસી અગિયારી પાસે ખાસ બજાર ખારુનો નાળો ખાતે રહેતા અને છૂટક મજૂરી કરતા જાવેદ ઉર્ફે પપ્પુ મહેમુદમિયા પરમાર(ઉ.વ.૪૧)ને ઝડપી પાડયો હતો. તપાસ કરતા તેની પાસેથી ૧૬ ગ્રામ ૨૫૦ મિલીગ્રામનો રૃા. ૧.૬૨ લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે તેની પાસેથી એમડી ડ્રગ્સ સહિત કુલ રૃા. ૧.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ત્યારબાદ તેની પૂછપરછ કરતા તે દરિયાપુરના પપ્પી નામના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો અને આરોપી પકીડીયો બનાવીને છૂટક વેચાણ કરતો હતો. આ બનાવ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધીને જાવેદની ધરપકડ કરીને ફરાર પપ્પીની શોધખોળ હાથ ધરી છે.