ભાજપના કોર્પોરેટરને પોલીસ સ્ટેશનમાં માર મારનાર ભાજપના કાર્યાલય મંત્રીને જેલની સજા થઈ છે. ચર્ચા એટલા માટે થઈ રહી છે, કારણ કે તેણે પોતાના જ પક્ષના ચૂંટાયેલા નેતાને પોલીસ સ્ટેશનમાં જઈને માર માર્યો હતો. આ કેસમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયાને લુણાવાડા ટ્રાયલ કોર્ટે એક મહિનાની સજા અને 1 હજાર રૂપિયાનો દંડ ફટકારતા મહીસાગર જિલ્લા ભાજપ વર્તુળમાં સોપો પડી ગયો છે.
11 વર્ષ પહેલાં નવો મહીસાગર જિલ્લો બન્યા બાદ ભાજપા દ્વારા પ્રમુખ તરીકે જયપ્રકાશ પટેલની વરણી કરવામાં આવી હતી. હોદેદારોની જાહેરાત 3 મહિના ઘોંચમાં પડી હતી. પછી મહામંત્રી તરીકે દશરથ બારીયાની નિમણૂક કરાઈ હતી. યુવા મોરચાના પ્રમુખ તરીકે જયેન્દ્ર બારોટ અને મહામંત્રી તરીકે જીગર પંડયાની નિમણૂક કરાઈ હતી.
લુણાવાડા નગરપાલિકાના કોર્પોરેટર જીજ્ઞેશકુમાર મોતીલાલ પંડયાને કાર્યાલય મંત્રી જીગર પંડ્યા સાથે કોઈ બાબતે વિખવાદ થતાં તેઓ ફરિયાદ કરવા માટે લુણાવાડા પોલીસ મથકે ગયા હતા. તે દરમ્યાન જીગર પંડ્યાએ પોલીસ સ્ટેશનમાં પોલીસ અને અન્ય મિત્રોની હાજરીમાં નગર સેવકને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી અપી હતી.
આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. જે કેસ લુણાવાડા ટ્રાયલ કોર્ટમાં ચાલતા પંચો અને સાક્ષીઓને તપાસતા અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી હાલ જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયાને કોર્ટે ૧ મહિનાની સજા તેમજ ૧ હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો 10 દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.