રાજકોટ,તા.30
તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ‘ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં’ જ રહે તે માટે ખેત તલાવડી, બોરી બંધ અને ચેક ડેમ દ્વારા ગુજરાતમાં વિશેષ ‘જળ સંચય અભિયાન’ હાથ ધર્યું હતું. જેના પરિણામે ગુજરાતમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર વર્ષે ‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઇ રહ્યું છે. આ મિશનને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ-બિન ઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રીચાર્જ કરવા રૂ. 150 કરોડની મહત્વ ‘ભૂગર્ભ જળ રીચાર્જ’ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેમ, જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું. જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું. કે આ યોજના મુજબ રાજ્ય સરકાર આશરે 10,000 જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/બોર રીચાર્જ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ બંધ ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે 90:10ના ધોરણે એટલે કે 90 ટકા ફાળો-ખર્ચ રાજ્ય સરકાર આપશે જયારે 10 ટકા ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે.
જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતની વૈવિધ્યસભર ભૌગોલિક અને ભૂસ્તરીય પરિસ્થિતિઓના કારણે રાજ્યમાં ભૂગર્ભજળ અંગે વિવિધતાઓ જોવા મળે છે. સિંચાઈ સહિત વિવિધ ઉપયોગ માટે ભૂગર્ભ જળનું ખેંચાણ રીચાર્જ કરતા વધુ હોવાને કારણે ભૂગર્ભ જળના સ્તર-લેવલ નીચા જઈ રહ્યા છે એટલું જ નહિ પણ ભૂગર્ભ જળનો આવરો પણ ઘટી રહ્યો છે. આ કારણે ટ્યુબવેલની ક્ષમતા ઘટે છે અને ટ્યુબવેલમાંથી પાણી ખેંચવા માટે વીજ વપરાશ-ખેડૂતોનો નાણાકીય ખર્ચ પણ વધે છે.
સિંચાઇના હેતુ માટે ખેડૂતો મારફતે વ્યાપક પ્રમાણમાં બનાવવામાં આવેલા બોર કે જે સમય જતા પાણી સુકાઈ જવાના કારણે બોર બંધ અને બીન ઉપયોગી થયા છે. આવા બંધ પડેલા હાલના તબક્કે બિનઉપયોગી બોરને વરસાદના પાણીથી રીચાર્જ કરવામાં આવે તો સુકાયેલા ભૂગર્ભ જળના તળ પુન:જીવિત થઇ શકે તેમજ સતત ઉંડા જતા ભૂજળમાં સુધારો કરીને વીજ વપરાશમાં ઘટાડો કરી શકાય તેમ,તેમણે ઉમેર્યું હતું.