અમદાવાદ,તા.30
કોરોનાકાળ બાદ વિદેશ પ્રવાસનો ક્રેઝ વધ્યો છે. હજારો લોકો વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. 2023 માં ગુજરાતની પાસપોર્ટ ઓફીસ દ્વારા સરેરાશ દરરોજ 2800 પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. અમદાવાદ તથા સુરત સ્થિત પ્રાદેશીક કચેરીએ જ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
પાસપોર્ટ કચેરીનાં સુત્રોએ કહ્યુ કે પ્રિ-કોવીડ સમયગાળા કરતાં 2023 માં ઈસ્યુ થયેલા પાસપોર્ટની સંખ્યામાં 22 ટકાની વૃદ્ધિ છે. 2019 માં 8.38 લાખ પાસપોર્ટ ઈસ્યુ થયા હતા તે સંખ્યા 2023 માં 10.12 લાખ થઈ હતી. આમાંથી 60 ટકા રીન્યુઅલનાં હોવાનો અંદાજ છે.
સંસદમાં વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા સવાલના જવાબમાં અપાયેલી માહીતી પ્રમાણે 2023 માં સૌથી વધુ પાસપોર્ટ ઈસ્યુ કરવામાં ગુજરાતનો ક્રમ 6ઠ્ઠો રહ્યો હતો.કેરળમાં સૌથી વધુ 15.48 લાખ, મહારાષ્ટ્રમાં 15.10 લાખ, ઉતર પ્રદેશમાં 13.69 લાખ, પંજાબમાં 11.94 લાખ, તથા તામીલનાડુમાં 11.48 લાખ પાસપોર્ટ ઈસ્યુ થયા હતા.
ભારતમાં હાલ 93 પાસપોર્ટ સેવા કેન્દ્રો તથા 440 પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્રો છે. ગુજરાતની અમદાવાદ પાસપોર્ટ કચેરી અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉતર ગુજરાત તથા મધ્ય ગુજરાત માટે કાર્યરત છે. 80 ના સ્ટાફના મહેકમ સામે 110 કર્મચારીઓને રાખવામાં આવ્યા છે. પ્રક્રિયા ઝડપી કરવાનો આશય છે.
સુત્રોએ જોકે એમ કહ્યું કે, પાસપોર્ટને આખરી મંજુરી આપતા 11 અધિકારીઓની તથા નેવીફીકેશન કામગીરીમાં 8 અધિકારીઓની ખેંચ છે. ચાલુ વર્ષનાં પ્રારંભે પાસપોર્ટ મેળવવાનો સમયગાળો 45 થી 60 દિવસનો રહ્યો હતો.