રાજયમા મંત્રી મંડળ વિસ્તરણ વિલંબમાં: નવા ઈચ્છુક મંત્રીઓએ પણ રાહ જોવી પડશે

By: nationgujarat
29 Jul, 2024

ગાંધીનગર,તા.29
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શનિ અને રવિ, એમ બે દિવસ દિલ્હીની મુલાકાતે ભાજપ શાસિત જ મુખ્યમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા જઈ આવ્યા છે. આ બેઠકનો મુખ્ય ઉદેશ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની લોકભોગ્ય કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ અને તેની સમીક્ષા કરવાનો હતો. અલબત, આ મુખ્ય એજંડા ઉપરાંત પ્રત્યેક ભાજપ શાસિત રાજયમાં રાજકીય પરિસ્થિતિનું આકલન કરવાનો પણ હતો.

લોકસભાની ચુંટણીના પરિણામો બાદ મળેલી આ પ્રથમ બેઠકમાં સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં થનારી વિધાનસભાની ચુંટણીઓ, ઉતરપ્રદેશનું રાજકીય ધમાસાણ, યોગી આદીત્યનાથ અને તેમના બંને ડેપ્યુટી વચ્ચે ચાલતી માથાકુટ ઉપરાંત ઉતરપ્રદેશની પેટાચુંટણીઓ જેવા મુદ્દા ચર્ચામાં કેન્દ્રસ્થાને રહ્યા હતા.

ગુજરાત સહિત અનેક રાજયોમાં પ્રદેશપ્રમુખની નિયુક્તિ સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ વચ્ચે મુદ્દાને લઈને ચર્ચાઓ થઈ હતી ત્યારે સૂત્રો કહે છે કે, ગુજરાતમાં પ્રધાનમંડળના વિસ્તરણ, ખાતાઓની વહેંચણી જેવી બાબતો કેન્દ્રીય હાઈકમાન્ડ સમક્ષ અત્યારે અગ્રતાક્રમે નથી.

ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં મળતી માહિતી અનુસાર પ્રધાનમંડળમાં સ્થાન પામવા ઈચ્છુક મહત્વાકાંક્ષી મહાનુભાવોએ રાહ જોવી પડશે. ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પેટાચુંટણી જીતીને મંત્રીપદ પામવાની મહેચ્છા ધરાવતા અર્જુન મોઢવાડિયા અને સી.જે.ચાવડાએ હાલમાં ધીરજ રાખવી પડશે.

કારણ કે, લોકસભાના બજેટ સત્રની સમાપ્તિ ન થાય ત્યાં સુધી કોઈપણ રાજયમાં નીતિવિષયક કે પ્રધાનમંડળમાં ફેરફાર જેવા મહત્વના નિર્ણયો લેવાય તેવી શકયતા દેખાતી નથી.

હાઈકમાન્ડનું ધ્યાન ઉતરપ્રદેશની સ્ફોટક પરીસ્થિતિને શી રીતે શાંત પાડવી તે મુદે કેન્દ્રીત થયેલું છે. અલબત, રાજયમાં વહીવટીતંત્રમાં નાના-મોટા ફેરફારો આવી શકે. દાખલા તરીકે એડીશ્નલ ચીફ સેક્રેટરી તરીકે એ.કે.રાકેશ આ મહિનાના અંતમાં નિવૃત થઈ રહ્યા છે ત્યારે તેમના સ્થાને અન્ય કોઈ જવાબદાર અધિકારીને નિયુક્ત કરાશે.

સાથોસાથ એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહનો હવાલો) પંકજ જોશીને સોંપાય તેમ મનાય છે. ટુંકમાં પંકજ જોશી મુખ્યમંત્રી કાર્યાલય ઉપરાંત ગૃહ વિભાગનો વધારાનો હવાલો સંભાળશે. કારણ કે કેડરમાં તેમની સમકક્ષ એડિશનલ ચીફ સેક્રેટરી (રેવન્યુ) મનોજ દાસને જયાં સુધી જંત્રીનો કોયડો ન ઉકેલાય ત્યાં સુધી મહેસુલ વિભાગમાં જ રખાશે. જેથી મહેસુલ ઉપરાંત સ્ટેમ્પ ડયુટી જેવા મહત્વના વિભાગોમાં સાફસુફી થઈ શકે.

દિલ્હીથી એક સંકેત સ્પષ્ટ અપાયો છે કે ભ્રષ્ટાચારી કે ભ્રષ્ટ અધિકારીઓના મુદ્દે હવે કોઈ જ બાંધછોડ કરાશે નહીં.


Related Posts

Load more