જીવવા માટે ખોરાકની જરૂર છે, તેમ આઘ્યાત્મિક માર્ગે આગળ વધવા ગુરૂની જરૂર છે. – સાધુ પ્રેમવત્સલદાસજી
તા. ર૧ જુલાઈને રવિવાર ગુરુપૂર્ણિમાના રોજ શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મણિનગર – અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપા, સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું પૂજન કરીને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ યોજાઈ હતી. આ પ્રસંગે ઉત્કૃષ્ટ વિધાર્થીનું સન્માન કરીને તેમને ઈનામ આપવામાં આવ્યા હતા.
ગુરુનું જીવનમાં શું મહત્વ છે ? તે અંગે જણાવતા કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ગુરુએ આપણા ઉપર અનંત ઉપકારો કર્યા છે.તેથી સૌ કોઈ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરે છે. આ દિવસે સૌ પોતાની ભક્તિ અને શક્તિ અનુસાર ગુરુનું પૂજન – અર્ચન – વંદન – આરતી કરીને ગુરુને પ્રસન્ન કરે છે. આજના દિવસે શિષ્ય ગુરુના અંનત ઉપકારોમાંથી કિંચિત્ ઋણ અદા કરીને મુક્ત થવાનો પ્રયત્ન કરે છે.
ભારતીય ધાર્મિક પરંપરામાં ગુરુનું સ્થાન સૌથી ઉંચા શિખરે પ્રસ્થાપિત થયેલું છે. ભગવત્ પ્રાપ્તિનું જે મનુષ્યનું મુખ્ય લક્ષ્ય છે તે ગુરુના માગદર્શનથી જ સરળ રીતે પ્રાપ્ત થાય છે.ગુરુ જ આપણને દિવ્યતાના માર્ગ પર દોરી જનાર માર્ગદર્શક છે.જેના જીવનમાં સદ્ગુરૂ નથી તે મનુષ્ય દિશાહિન છે. તેનું જીવન ચંદ્ર વગરની રાત્રિ અને સૂર્ય વગર દિવસ સમાન છે.તેથી જીવનમાં ગુરુ અવશ્ય કરવા જોઈએ.પરંતુ માત્ર ગુરુ કરવાથી કામ થતું નથી.ગુરુકૃપાની સાથે – સાથે તેમને પ્રસન્ન કરવા માટે પ્રયત્નો પણ કરવા જોઈએ.
આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,આપણા તો અહોભાગ્ય છે કે, આપણને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે અને સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરૂ શ્રી નિર્ગુણદાસજી સ્વામી, સદ્ગુરૂ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, સદ્ગુરૂ શ્રી મુક્તજીવન સ્વામીબાપા જેવા ગુરુ મળ્યા છે અને સાધુતાની મૂર્તિ એવા સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી જેવા મૂર્તિનો સાક્ષાત્કાર કરનાર સાચા સંત મળ્યા છે. તો આપણે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે તેમનું પૂજન, અર્ચન, અને વંદન કરીએ અને તેમણે ચીંધેલ માર્ગે આપણું તન, મન અને ધન સમર્પિત કરીએ અને ગુરુના ચરણમાં મસ્તક મૂકી દ્રઢ નિશ્ચય કરીએ કે,
તન મન ધન તુજ ચરણે ધરશું,
જીવશું તો તમ કાજ જીવશું