અમેરિકી રાજ્ય વિસ્કોન્સિનના મિલ્વોકી શહેરમાં રિપબ્લિકન પાર્ટીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઓફિશિયલ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. ભારતીય સમય પ્રમાણે સોમવારે રાતે થયેલી પાર્ટીના કન્વેન્શનમાં ટ્રમ્પને ડેલિગેટ્સના 2387 મત મળ્યા. ઉમેદવાર તરીકે સિલેક્ટ થવા માટે 1215 મતની જરૂર હોય છે.
13 જુલાઈએ પેન્સિલ્વેનિયામાં થયેલા હુમલા પછી પહેલીવાર ટ્રમ્પ જાહેરમાં જોવા મળ્યા. તેઓ કાન પર પાટો બાંધીને કન્વેન્શન હોલમાં પહોંચ્યા. જોકે, આ હુમલામાં એક ગોળી ટ્રમ્પના કાનને સ્પર્શીને પસાર થઈ હતી. હુમલાના 48 કલાક બાદ પાર્ટીએ તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સિલેક્ટ કર્યા છે.
સંમેલનમાં ટ્રમ્પના પહોંચતા જ સમર્થકોએ ‘USA-USA’ના નારા લગાવ્યા. સાથે જ ટ્રમ્પની જેમ હવામાં મુઠ્ઠી વાળીને લોકો ‘ફાઇટ-ફાઇટ’ કહેતા જોવા મળ્યા. કન્વેન્શનમાં ટ્રમ્પના બંને દીકરા એરિક અને ડોનાલ્ડ જુનિયર પણ હાજર રહ્યા. સંમેલન પૂર્ણ થયા પછી જ્યારે ટ્રમ્પ ત્યાંથી રવાના થવા લાગ્યા ત્યારે લોકોએ ‘વી લવ ટ્રમ્પ’ના નારા પણ લગાવ્યા.
ડેવિડ વેન્સ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા
રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે 39 વર્ષીય જેમ્સ ડેવિડ વેન્સના નામની જાહેરાત કરવામાં આવી હતી. સંમેલનમાં કોઈ પ્રતિનિધિઓએ વેન્સનો વિરોધ કર્યો ન હતો. વેન્સ 2022માં પ્રથમ વખત ઓહાયોથી સેનેટર તરીકે ચૂંટાયા હતા. તેમને ટ્રમ્પની નજીક માનવામાં આવે છે.
જોકે, ટ્રમ્પ સમર્થક બનતા પહેલાં વેન્સ 2021 સુધી તેમના કટ્ટર વિરોધી હતા. 2016માં એક ઈન્ટરવ્યુમાં વેન્સે ટ્રમ્પને નિંદાને યોગ્ય ગણાવ્યા હતા. તેમના સ્વભાવ અને નેતૃત્વ શૈલી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2021માં તેમણે આ માટે ટ્રમ્પની માફી માગી હતી. રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ પછી તેઓ ટ્રમ્પની નજીક આવી ગયા.
રિપબ્લિકન પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે જેમ્સ ડેવિડ વેન્સને પસંદ કર્યા પછી, પ્રમુખ જો બાઇડને કહ્યું, જેમ્સ તો ટ્રમ્પના ક્લોન છે. બધા મુદ્દા પર બંનેની એક જ સલાહ હોય છે. મને કોઈ ફરક નથી પડતો. ત્યાં જ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે કહ્યું કે તેઓ વેન્સ સાથે ડિબેટ કરવા તૈયાર છે.
વેન્સ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ‘નેવર ટ્રમ્પ’ અભિયાનમાં સામેલ હતા
2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે રિપબ્લિકન પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ ટ્રમ્પની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યા હતા. આ જૂથે ‘નેવર ટ્રમ્પ’ ના નારા આપ્યા હતા. તેમનું માનવું હતું કે ટ્રમ્પનાં નિવેદનો અને તેમના વર્તનથી લોકોમાં તિરાડ પડી રહી છે, તેથી તેઓ રાષ્ટ્રપતિ બનવા માટે લાયક નથી.
વેન્સ પણ આ અભિયાનના સમર્થનમાં હતા. ઑક્ટોબર 2016માં ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાના થોડાં અઠવાડિયાં પહેલાં, તેમણે એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે હું ટ્રમ્પને સહન કરી શકતો નથી. હું ‘નેવર ટ્રમ્પ’ અભિયાન સાથે છું. મને ટ્રમ્પ ક્યારેય પસંદ નહોતા.
જોકે, રાજનીતિમાં બદલાવ સાથે વેન્સનું ટ્રમ્પ પ્રત્યેનું વલણ પણ બદલાયું. વેન્સ 2022માં સેનેટ માટે ચૂંટણી લડ્યા ત્યાં સુધીમાં તે ટ્રમ્પના પક્ષમાં આવી ગયા હતા અને ટ્રમ્પે પણ તેમને સમર્થન આપ્યું હતું.
ટ્રમ્પે પોસ્ટ કર્યું- ઉપરાષ્ટ્રપતિ પદ માટે જેડી વેન્સ શ્રેષ્ઠ ઉમેદવાર
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જેડી વેન્સ વિશે પોસ્ટ કર્યું. તેમણે કહ્યું કે ઘણા વિચાર-વિમર્શ અને અનેક પ્રતિભાશાળી લોકોને ધ્યાનમાં રાખીને મેં નક્કી કર્યું છે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ ઓહાયો રાજ્યના સેનેટર જેડી વેન્સ છે.
જેડી મરીન કોર્પ્સમાં ફરજ બજાવતા હતા. તેમણે ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને યેલ લૉ સ્કૂલના સ્નાતક પણ છે, જ્યાં તેઓ યેલ લૉ જર્નલના સંપાદક અને યેલ લૉ વેટરન્સ એસોસિયેશનના પ્રમુખ હતા. ટ્રમ્પે આગળ લખ્યું કે જેડીનું પુસ્તક ‘હિલબિલી એલિજી’, જે આપણા દેશના મહેનતુ પુરુષો અને મહિલાઓની વાર્તા કહે છે, તે બેસ્ટ સેલર રહ્યું છે અને તેના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે.
જેડીએ ટેક્નોલોજી અને ફાઇનાન્સમાં ખૂબ જ સફળ બિઝનેસ કારકિર્દી બનાવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ પેન્સિલ્વેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, ઓહિયો, મિનેસોટા અને અન્ય રાજ્યોના ખેડૂતો અને કામદારો પર ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરશે જેમના માટે તેઓ આટલી બહાદુરીથી લડ્યા.
‘જો હું વળ્યો ન હોત તો હું મરી ગયો હોત’
ટ્રમ્પે સન્ડે પોસ્ટમાં પોતાના ઉપર થયેલા જીવલેણ હુમલાને લઇને સોમવારે વાતચીત કરી. તેમણે કહ્યું, હું અહીં હોત જ નહીં, હું મરી જ ગયો હોત. આ ખૂબ જ ભયાનક અનુભવ હતો, જેનાથી મારું જીવન લગભગ ખતમ કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે જો હું ગેરકાયદેસર પ્રવાસીઓ સાથે જોડાયેલા ચાર્ટને વાંચવા માટે નીચે નમ્યો ના હોત તો હું મરી ગયો હોત. એક ઈંચથી પણ નાની ગોળીએ મારા કાનનો એક ભાગ ઉડાડી દીધો હતો.