Bangalore To Ahmedabad: કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ટૂંક સમયમાં બેંગ્લુરૂથી અમદાવાદ અને બેંગ્લુરૂથી જગન્નાથપુરી સુધીની બસ સેવા શરૂ કરવાની તૈયારી કરી છે. યુરોપિયન સ્ટાઈલથી ડિઝાઈન કરાયેલી આ એસી સ્લિપર બસ નવા રૂટ પર અંદાજિત 1500 કિમીનું અંતર આવરી લેશે. ખાનગી ઓપરેટર્સની વધતી હરીફાઈ અને અમદાવાદ-બેંગ્લુરૂની વધતી મુસાફરીની માગના કારણે કેએસઆરટીસીએ આ નિર્ણય લીધો છે. હાલ તે મુંબઈ અને શિરડી સુધી એક-એક હજાર કિ.મી.નું અંતર આવરી લેતા લાંબા રૂટ પર પણ કાર્યરત છે. જો કે હાલ ખાનગી બસ ઓપરેટરો પણ બેંગ્લુરૂથી અમદાવાદ, ઈન્દોર, ભોપાલ, જયપુર, જોધપુર અને જેસલમેર સહિતના વિવિધ રૂટ પર બસ સેવા આપે જ છે. તેમાં સૌથી લાંબો રૂટ 2000 કિ.મી.નો જેસલમેર સુધીનો છે. બીજી તરફ, અત્યાર સુધી બેંગ્લુરૂથી ઓડિશાના પુરી સુધી પણ કોઈ સીધી બસ સેવા ન હતી, પરંતુ હવે આ રૂટ પર શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે હવે સરકારી બસ સુવિધા હેઠળ મુસાફરો લગભગ રૂ. 2500ના નજીવા દરે 27થી 28 કલાકમાં અમદાવાદથી બેંગ્લુરૂ પહોંચી શકશે.
સંચાલનની વિગતો અને ખરીદીની યોજના
કેએસઆરટીસી આ નવી બસ સેવા અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને આંધ્ર પ્રદેશના માર્ગ પરિવહન કોર્પોરેશન પાસેથી મંજૂરી મેળવી રહી છે, જેને સકારાત્મક પ્રતિસાદ મળવાની આશા છે. આ પ્રત્યેક રૂટ પર શરૂઆતમાં બે બસ દોડાવવામાં આવશે. અંબારી ઉત્સવ બ્રાન્ડ હેઠળ તૈયાર કરાયેલી આ બસોમાં ઓનબોર્ડ ટોઈલેટની સુવિધા નહીં હોય. કેએસઆરટીસીએ અંબારી ઉત્સવ હેઠળ 20 મલ્ટી-એક્સેલ એસી સ્લિપર બસ ખરીદી છે, જે દરેકની કિંમત રૂ. 1.8 કરોડ છે. જૂના મોડલની તુલનાએ આ નવી બસો એડવાન્સ ટેક્નોલોજી ધરાવે છે.