વરસાદની સિઝનમાં શાકભાજીની આવકમાં ઘટાડો થવાને કારણે વિવિધ શહેરોમાં ટામેટાના ભાવ વધી રૂ. 90થી 100 પ્રતિ કિગ્રા થઈ ગયા છે. તેનાથી કરોડો ઘરોના ખિસ્સા પર અસર થી છે. મીડિયા અહેવાલ મુજબ, અમદાવાદમાં ટામેટાંના રિટેલ ભાવ કિલોદીઠ રૂ. 100-120 થયા છે.
દિલ્હી-એનસીઆર અને મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરો સહિત ઘણા શહેરોમાં ટમેટાની કિંમત રૂ. 100 પ્રતિ કિગ્રા સુધી પહોંચી છે. ટામેટાના ભાવમાં વધારો થવાનું કારણ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં વધુ પડતી ગરમીના કારણે ટામેટાના ઉત્પાદનમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવા મોટા ટામેટા ઉત્પાદક વિસ્તારોમાં ગરમી વધતાં ટામેટાંની આવકમાં 35 ટકાનો ઘટાડો થયો છે.
મોટા શહેરો સુધી ટામેટાં પહોંચવામાં મુશ્કેલી
ટામેટાંના ઊંચા ભાવનું કારણ પણ વરસાદ હોવાનું માનવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં અતિશય વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, જેના કારણે મોટા શહેરોમાં ટામેટાં પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. કેરળમાંથી પણ પરિવહન સેવા વરસાદના કારણે ખોરવાઈ હોવાથી ટામેટાં સમયસર બજારો સુધી પહોંચી રહ્યા નથી. જેથી ભાવ વધ્યા છે.
ટામેટાંના ભાવ 70 ટકા વધ્યા
ગ્રાહક બાબતોના મંત્રાલયના પ્રાઇસ મોનિટરિંગ વિભાગના જણાવ્યા અનુસાર, 7 જુલાઈના રોજ, ટામેટાની સરેરાશ છૂટક કિંમત રૂ. 59.87 પ્રતિ કિગ્રા હતી, જે એક મહિના પહેલા રૂ. 35 હતી. કિંમતોમાં 70% થી વધુનો વધારો થયો છે. દેશના ઘણા વિસ્તારોમાં ઓનલાઈન માર્કેટપ્લેસ પર પણ ટામેટાં રૂ. 80થી રૂ. 90 પ્રતિ કિગ્રાના ભાવે મળે છે. CEDA અનુસાર, જુલાઈની શરૂઆત સુધીમાં સમગ્ર દેશમાં ટામેટાંની સરેરાશ કિંમત રૂ. 59.88 પ્રતિ કિગ્રા હતી.
ચોમાસાના લીધે ભાવ વધ્યાં
મે મહિનાથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના અલગ-અલગ વિસ્તારોમાં ટામેટાંના ભાવ અલગ-અલગ છે. ઉત્તર ભારતમાં ટામેટાંનો ભાવ રૂ. 50 થી 60 પ્રતિ કિગ્રા છે. ઉત્તર-પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં કિંમત રૂ. 60-70 પ્રતિ કિગ્રા આસપાસ છે. સામાન્ય રીતે, વરસાદ દરમિયાન શાકભાજીની લણણી અને પેકીંગ મુશ્કેલ બની જાય છે. જેથી ચોમાસાની સિઝનમાં શાકભાજીના ભાવ વધી જાય છે.
ગત વર્ષે પણ ભારે વરસાદ અને પૂર બાદ કેટલીક જગ્યાએ ટામેટાના ભાવ વધી રૂ. 350 પ્રતિ કિગ્રા થઈ ગયા હતા. એક રિપોર્ટ અનુસાર, ટામેટાં, ડુંગળી અને બટાકાની કિંમતોમાં વધારાને કારણે છેલ્લા મહિનામાં ઘરે તૈયાર સાદી શાકભાજીની પ્લેટ 10% મોંઘી થઈ ગઈ છે.
RBI મોંઘવારી 4% સુધી ઘટાડવા માગે છે
ક્રિસિલના જણાવ્યા અનુસાર ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવમાં અનુક્રમે 30%, 46% અને 59%નો વધારો થયો છે. શાકભાજીના ભાવમાં આ ઉછાળો મુખ્યત્વે પુરવઠાને અસર કરતા પ્રતિકૂળ પરિબળોને કારણે છે. ખાદ્યપદાર્થોની કિંમતો, જે હંમેશા પ્રવાહમાં રહે છે, હવે કુલ ઉપભોક્તા ચીજવસ્તુઓના ભાવમાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે. જો કે મે મહિનામાં મોંઘવારી દર ઘટીને 4.75% થયો હતો. આરબીઆઈનો ઉદ્દેશ ફુગાવો ઘટાડીને 4% કરવાનો છે.
શાકભાજી અને ફળોના ભાવ પર ગરમીની અસર
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં કહ્યું હતું કે વધતી ગરમી અને પાણીનું સ્તર ઘટવાથી શાકભાજી અને ફળોના ભાવ પર અસર પડી શકે છે. ખાદ્ય ફુગાવો મે મહિનામાં વાર્ષિક ધોરણે 8.69% વધ્યો, જે એપ્રિલના 8.70% કરતા થોડો ઓછો છે. નવેમ્બર 2023થી ખાદ્યપદાર્થોના ભાવ વાર્ષિક 8% થી વધુના દરે વધતા રહ્યા છે. શાકભાજીનો મોંઘવારી દર મે મહિનામાં 32.42% હતો, જે ગયા મહિને 23.60% હતો. ડુંગળીનો ફુગાવાનો દર 58.05% હતો, જ્યારે બટાકાનો ફુગાવો દર 64.05% હતો. મે મહિનામાં કઠોળનો મોંઘવારી દર વધીને 21.95% થયો.
ટામેટાના ભાવમાં ક્યારે રાહત મળશે?
હવે ખરીફ સિઝનના ટામેટાં બજારમાં આવી રહ્યા છે. ધીમે-ધીમે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં નવા પાક બજારમાં આવવા લાગશે, તેની સાથે ભાવમાં ઘટાડો થવાની આશંકા છે. જો માંગ ઘટે અને પુરવઠો વધે તો પણ ટામેટાના ભાવ નીચે આવી શકે છે. ગત વર્ષની જેમ આ વખતે પણ જો સરકાર દ્વારા સરકારી એજન્સીઓ મારફત ખુલ્લા બજારમાં ટામેટાંનું વેચાણ કરવામાં આવે તો ભાવ નીચે આવી શકે છે. આ માટે સરકાર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) વધારી શકે છે અથવા ટામેટાંની આયાત કરી શકે છે. આ પગલું કિંમતને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.