“તને જોઇ લઇશ” ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષને આપી ધમકી

By: nationgujarat
08 Jul, 2024

ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા ફરી એક વખત વિવાદમાં સપડાયા છે.રમણલાલ વોરાએ પોતાની ધારાસભ્ય તરીકેની ગરીમાને ગીરવે મૂકી મંદિર પ્રાંગણમાં જ પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટુ પરમારને ગાળો બોલી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે.

આ ઘટના બાદ મંદિર પરિસર છોડી રવાના થઇ ગયેલા નટુ પરમારે સમગ્ર ઘટનાક્રમ બાબતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી ધારાસભ્ય સામે કાર્યવાહી કરવા માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઇડરના ધારાસભ્યનો વધુ એક વિવાદ

ઇડર-વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા એક બાદ એક વિવાદમાં ફસાતા જાય છે. અગાઉ મહિલા જિલ્લા સદસ્ય સાથે બેહુદા વર્તન બાદ લોકસભાની ચૂંટણીમાં પણ ક્ષત્રિય સમાજના યુવાનો સામે સીધા સંઘર્ષમાં આવી મોટો વિવાદ ઉભો કર્યો હતો. જોકે, ચૂંટણીની પૂર્ણતા સાથે જ જુના તમામ વિવાદો વિસારે પડવાની અણી પર હતા ત્યાં જ વધુ એક વિવાદ સામે આવ્યો છે.

ઇડરના રામદ્વારા મંદિરથી 26મી રથયાત્રાના પ્રારંભ પૂર્વે રમણલાલ વોરા દર્શન અને રથને પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. દરમિયાન થોડી જ વારમાં પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટુ પરમાર પણ ત્યાં પહોંચ્યા હતાં. બન્ને નેતાઓ વચ્ચે ઔપચારિક વાતચીત બાદ કોઇક વાતે રમણ વોરાએ પિત્તો ગુમાવી નટુ પરમારને ગાળો બોલી અપમાનિત કર્યા હતા અને જોઇ લેવાની ચિમકી આપી હતી.

નટુ પરમારે પણ ધાર્મિક પ્રસંગમાં મોટો બખેડો ઊભો ન થાય તે માટે ‘થાય તે કરી લેવાનું’ અને ‘આજથી હું તમારી સાથે નહીં પણ સામે છું’ તેમ કહી ચાલતી પકડી હતી. મંદિર પરિસરમાં જગન્નાથના ભક્તો, પોલીસ કર્મીઓ અને ભાજપના કાર્યકરોની હાજરીમાં રમણ વોરાના વર્તનથી અપમાનિત થયેલા પ્રદેશ ભાજપના આગેવાને સમગ્ર ઘટના બાબતે ભાજપની ઉચ્ચ નેતાગીરીનું ધ્યાન દોરી કાર્યવાહી કરવા માંગ કરી છે. આ સાથે જ તેઓએ જરૂર પડે તો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.


Related Posts

Load more