અમદાવાદ, તા. ર7
ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક પ્રથમ વખત ગાંધીનગર બહાર બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ ખાતે મળશે. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કારોબારીની બેઠક તા.4 જુલાઇ બપોરે 3 વાગ્યાથી પ જુલાઇ શુક્રવારે સાંજે પ વાગ્યા સુધી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ મંદિરમાં રાખવામાં આવી છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલની પણ વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે.
પ્રદેશ પ્રમુખ હવે કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા છે. આથી ગુજરાતમાં નવા પ્રમુખ બનશે તે નકકી થયું છે. આમ છતાં હાલ છ મહિના માટે પ્રદેશમાં કાર્યકારી પ્રમુખ મૂકવાનો એક વિચાર પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હોય, ભુપેન્દ્રભાઇ પટેલ મંત્રીમંડળમાં ફેરફાર અને નવા સભ્યોને સ્થાન અંગે પણ આ બેઠકમાં ચર્ચા થાય તેવી પૂરી શકયતા છે.
કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ગુજરાત ભાજપના સંગઠન પ્રભારી સુધીર ગુપ્તા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહેશે. સી. આર. પાટીલના નેતૃત્વમાં વિધાનસભામાં ભાજપને 182 બેઠકોમાંથી 161 બેઠક મળી છે. ગુજરાત લોકસભાની ર6માંથી રપ બેઠક ભાજપને મળી હતી. દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક પરથી સી.આર.પાટીલે ચોથી વખત વિજય મેળવી સંસદ સભ્ય પદ મેળવ્યું હતું. તેમણે 7 લાખ 73 હજાર મતોથી જીત મેળવી હતી.
નોંધનીય છે કે, ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રિમંડળમાં સામેલ કરાયા બાદ રાજ્યના સંગઠનમાં મહત્વપૂર્ણ પરિવર્તનોની પ્રક્રિયા આરંભાઈ છે. સાથે સાથે, રાજ્ય મંત્રિમંડળના વિસ્તરણ અંગેની અટકળો પણ વેગ પકડી રહી છે.
ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભાજપે નોંધપાત્ર સફળતા મેળવી તમામ પાંચ બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. આ પરિણામથી રાજ્યમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા અભૂતપૂર્વ 161 સુધી પહોંચી ગઈ છે. સી.આર.પાટીલે કેન્દ્રમાં મંત્રીપદ સ્વીકાર્યા બાદ ગુજરાત ભાજપના અધ્યક્ષ પદ માટે નવા નેતૃત્વની શોધખોળ શરૂ થઈ ગઈ છે.
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની 26માંથી 24 બેઠકો હસ્તગત કરી હતી. સુરત બેઠક પરથી મુકેશ દલાલ નિર્વિરોધ ચૂંટાયા હતા. પક્ષને આ ચૂંટણીમાં કુલ 61.86 ટકા મત મળ્યા, જે 2019ની ચૂંટણીના 62.21 ટકાની સરખામણીએ થોડો ઘટાડો દર્શાવે છે. એક બેઠક પર ભાજપના પરાજય અંગે પણ કારોબારીમાં ચર્ચા થાય તેમ છે.
બોટાદના સાળંગપુર મંદિર ખાતે યોજાનારી બે દિવસની પ્રદેશ ભાજપ કારોબારી બેઠકમાં આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ થશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
કોણ કોણ
હાજર રહેશે
►પક્ષના પ્રદેશ હોદ્દેદારો
► તમામ મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓ
► તમામ મોરચાના પ્રદેશ પ્રમુખ-મહામંત્રી
► પ્રદેશ સેલના સંયોજકો
► પ્રદેશ વિભાગના સંયોજકો
► પ્રદેશ કારોબારીના સભ્યો
► પ્રદેશના આમંત્રીત સભ્યો
► વિશેષ આમંત્રીત સભ્યો
► જિલ્લા-મહાનગરના પ્રભારી
► પક્ષના પ્રમુખો-મહામંત્રીઓ
► લોકસભા, રાજયસભાના સાંસદો
► ધારાસભ્યો
►જિલ્લા પંચાયતના પ્રમુખો
► મહાપાલિકાના મેયરો
► મંડલના પક્ષ પ્રમુખો
અષાઢી બીજ બાદ ફેરફારના સંકેત
અમદાવાદ સહિત રાજયભરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની નીકળનારી રથયાત્રા બાદ ભાજપના નવા પ્રમુખની જાહેર થવાની અટકળો વહેતી થઇ છે. રાષ્ટ્રીય કક્ષાએ આગામી બે મહિનામાં સંગઠન પર્વની જાહેરાત થવાની છે ત્યારે નવા પ્રમુખની પણ તે જ સમયે વરણી થઇ શકે તેમ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવે કેન્દ્રીય મંત્રી પણ બની ચુકયા છે. ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીએ તેમનો રેકોર્ડ વધુ ઉજળો બનાવ્યો છે. તો ગુજરાત વિધાનસભાના મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડીયા અને સી.જે.ચાવડાને સ્થાન મળવાની વાતો પણ ઘણા સમયથી થઇ રહી છે.
પ્રદેશ ભાજપની કરકસરભરી સૂચના
વાહનોનો કાફલો લઇને નહીં, શેરીંગ કરીને બધા આવજો!
તા.4-5ના રોજ મળનારી પ્રદેશ ભાજપની કારોબારીમાં ભાગ લેવા આવનારા નેતાઓ માટે પાર્ટી વતી પ્રદેશ મહામંત્રી રજની પટેલે કેટલીક સૂચનાઓ પણ મોકલી છે. એક સૂચના એવી છે કે અપેક્ષીત શ્રેણી મુજબના જિલ્લા મહાનગરમાંથી આવનારા અગ્રણીઓએ ઓછામાં ઓછા વાહનમાં સામુહિક રીતે આવવા માટે અરસપરસ સંકલન કરવું. અપેક્ષીત ન હોય તે શ્રેણીના કોઇ લોકોને સાથે ન લાવવા ખાસ યાદી આપવામાં આવી છે.