શાંત-સલામત ગુજરાતમાં હવે આ શું થઈ રહ્યું છે? કચરો ફેંકવા જેવી બાબતમાં ખેલાયો લોહિયાળ જંગ
By: nationgujarat
23 Jun, 2024
ગીર સોમનાથ: ગીર સોમનાથનાં કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોની કે જેને બિહારી કોલોની તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગઈકાલે સાંજના સમયે કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં બે મહિલા વચ્ચે ઝઘડો થતાં એક મહિલાનાં પતિ દ્વારા પાડોશી મહિલા સંજુકુમારીની છરી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી.આ બાબતે કોડીનાર પોલીસ મૃતક મહિલાના પતિની ફરિયાદ પરથી હત્યારા પતિ પત્નીની ધરપકડ કરી વિશેષ તપાસ કરી હાથ ધરી છે.
કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોનીમાં રહેતા હેમંતકુમાર યાદવ નામના યુવાનનાં પત્ની સંજુકુમારી યાદવ ઉંમર વર્ષ 39 બપોરનાં સમયે ઘરે હતા ત્યાર તેના પાડોશમાં રહેતા ગુડિયાદેવી સાથે કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં ઝગડો થતાં ગુડિયાદેવીનાં પતિ વિદ્યાસાગર વર્માએ ગુસ્સામાં આવી સંજુકુમાંરી ઉપર છરીનાં ઘા ઝીકી દેતા તેણીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મૃત્યુ નીપજ્યુ હતુ. ગંભીર રીતે ઘાયલ મહિલાને પ્રથમ અંબુજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.
સામાન્ય તકરારનો ઝઘડો ખૂનમાં પલ્ટી જતા પોલીસને જાણ કરવામાં આવી અને મહિલાના મૃતદેહને પી.એમ.અર્થે કોડીનાર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. કોડીનાર પોલીસ દ્વારા મૃતક મહિલા પર ખૂની હુમલો કરનાર પતિ-પત્ની વિદ્યા સાગર અને ગુડિયાદેવીને 24 કલાકમાં ઝડપી પાડી આઈપીસીની કલમ 302, 323,114 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી દાખલારૂપ કામગીરી કરી છે.
કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોનીના જ્યાં સામાન્ય બાબતની બોલાચાલીમાં એક મહિલાનું ખૂન થયું છે. ઘટનાની જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે સાંજે બનેલી આ ઘટના વખતે સંજુકુમારી યાદવના પતિ હેમંતકુમાર યાદવ જમીને ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરવા ગયેલા ત્યારે સંજુકુમારી અને તેના બાળકો ઘરે એકલા હતા ત્યારે તેના પાડોશીમાં રહેતી ગુડિયાદેવી સાથે કચરો નાખવાની જેવી સામાન્ય બાબતની તકરારમાં બોલાચાલી થતા પાડોશી મહિલા ગુડિયાદેવીના પતિ વિદ્યાસાગર વર્માએ અચાનક ગુસ્સે થઈ ધારદાર ચપ્પુથી સંજુકુમારીને છાતીનાં ભાગે છરીના ઘા ઝીંકી દેતા સંજુકુમારી લોહી થી લથબત હાલતમાં ઘટના સ્થળે ફસડાઈ પડ્યા હતા.
અચાનક બનેલા બનાવથી મૃતકના બાળકોએ તેમના પિતાને ફોન કરી જાણ કરી હતી. જેથી હેમંતભાઈ યાદવ તુરત જ ઘરે આવ્યા અને તેના પત્નીને લોહી લુહાણ હાલતમાં જોતા તેને પ્રથમ અંબુજાનગર હોસ્પિટલમાં લઈ ગયેલા પરંતુ ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કરતા કોડીનાર સરકારી દવાખાને પી.એમ.માટે મૃતક સંજુકુમારીનાં મૃતદેહ ને ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવની જાણ કોડીનાર પોલીસને કરવામાં આવી હતી.