Vadodara News : લોકસભાની ચૂંટણી બાદથી ગુજરાત ભાજપમાં આંતરિક ડખા બહાર આવી રહ્યાં છે. હાલ વડોદરા ભાજપમાં ઘમાસાણ મચ્યું છે. વડોદરામાં શહેર ભાજપમાં ફરીથી મોટો ભડકો થયો છે. સરકારી ફાઇલોની તપાસ મામલે ભાજપમાં આંતરિક વિવાદ વધ્યો હતો. ભાજપનાં ધારાસભ્ય અને શહેર પ્રમુખ સામસામે આવી ગયા હતા. યોગેશ પટેલ અને ડૉ.વિજય શાહ વચ્ચે જાહેરમાં વાકયુદ્ધ થયું. ડો.વિજય શાહે કહ્યું કે, યોગેશ પટેલ અન્ય પ્રશ્નોની પણ આગેવાની લે. તો ધારાસભ્ય યોગેશ પટેલે વળતો જવાબ આપ્યો કે, હું આગેવાની લઈશ તો ઘણાને માઠું લાગશે.
મહત્વનું છે કે વડોદરાના માંજલપુરના MLA યોગેશ પટેલે કલેક્ટરને એક પત્ર લખ્યો છે અને વડોદરાની પ્રીમિયમવાળી જમીનના હુકમોમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ યોગેશ પટેલે છેલ્લા 3 વર્ષના અધિકારીઓ દ્વારા થયેલા જમીનના હુકમો ચકાસવા માંગ કરે છે. તો યોગેશ પટેલની આ માગ બાદ ભાજપ શહેર પ્રમુખ વિજય શાહે નિવેદન આપ્યું કે શહેરમાં બીજા પણ સળગતા પ્રશ્નો છે, જેથી યોગેશ પટેલે આવા પ્રશ્નોની પણ આગેવાની લેવી જોઈએ. તો બીજી તરફ વિજય શાહના કટાક્ષનો જવાબ આપતા યોગેશ પટેલે કહ્યું કે મારી પાસે તો ખજાનો છે. હું આ બધા પ્રશ્નોના જવાબ માંગીશ તો ઘણા લોકોને માઠું લાગી જશે.