સીઆર પાટીલ હવે મોદી સરકારના નવા મંત્રી બની ગયા છે. ત્યારે આ જાહેરાત બાદથી જ ગુજરાતમાં નવો ગણગણાટ શરૂ થયો છે. છેલ્લાં 48 કલાકથી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ તેજ બની છે. વિવિધ નામ માર્કેટમાં ફરી રહ્યાં છે. ત્યારે હવે મોટી ચર્ચા એ છે કે, ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર જ્ઞાતિમાંથી ભાજપ કોઈ એક પર પસંદગીનો કળશ ઢોળશે. હાલ જે નામોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તેમાં જગદીશ વિશ્વકર્મા, દેવુંસિંહ ચૌહાણ, ગોરધન ઝડફિયા, શંકર ચૌધરી, આઇ.કે.જાડેજા રેસમાં સૌથી આગળ છે.
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની ચર્ચાઓ તેજ બની છે. કમલમમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે, હવે પાટીલ પછી કોનો વારો. કોણ ભાજપ પ્રદેશ પ્રમુખની ગાદી સંભાળશે. ત્યારે હવે વિવિધ નામો માર્કેટમાં ફરતા થયા છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના નામ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યાં છે. ચર્ચા છે કે, પ્રદેશ અધ્યક્ષ માટે ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર નેતાની પસંદગી કરી શકાય છે. તો સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર નેતાને પણ જવાબદારી સોંપાઈ શકે છે. આ સાથે જ ભાજપ સંગઠનમાં પણ મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા છે.
ના નામ સૌથી વધુ ચર્ચામાં
ભાજપ પ્રદેશ પ્રમુખ માટે આ દિગ્ગજોના નામ વધુ ચર્ચામાં
દેવુસિંહ ચૌહાણ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા, વિનોદ ચાવડા, મયંક નાયક, જગદીશ વિશ્વકર્મા, ગોરધન ઝડફિયા, ભરત ડાંગર, દિનેશ અનાવાડીયા, ગણપત વસાવા, રજની પટેલ, ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજા, શંકર ચૌધરી
નવા પ્રદેશ પ્રમુખ પર મોટી જવાબદારી
જે પણ નવા પ્રદેશ પ્રમુખ બનશે તેના પર મોટી જવાબદારી રહેશે. કારણ કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ ક્લીન સ્વીપ કરી શક્યુ નથી. એક બેઠક ભાજપે ગુમાવીને છે. પક્ષને ધાર્યા મુજબનું પરિણામ મળ્યું નથી. આ ઉપરાંત ભાજપમાં લાંબા સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. પક્ષપલટુઓને મોટી જવાબદારી મળતા અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ છે. તેની મોટી અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળી. સાથે જ ચૂંટણીમાં ક્ષત્રિયોની નારાજગી પણ હતી. આ બધા ફેક્ટર વચ્ચે નવા ભાજપ પ્રદેશ પ્રમુખની એન્ટ્રી થશે, એટલે તેમણે આ બધા મોરચે લડવુ પડશે.
ભાજપ પ્રમુખ બનવામાં ક્ષત્રિયોનું વર્ચસ્વ
ગુજરાતમાં રાજકીય ઈતિહાસ રહ્યો છે કે, ભાજપનુ સુકાન મોટાભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાને જ સોપાયુ છે. જો આ રાજકીય ગણિત આધારે અનુમાન કરવામાં આવે તો, ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ શિક્ષણમંત્રી કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાના નામ ટોચ પર ચાલી રહ્યા છે. ઓબીસી સમાજની વાત કરવામાં આવે તો, પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નામ પણ ટોપ પર છે. મધ્ય ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનને થાળે પાડીને આણંદ બેઠક જીતવામાં દેવુસિંહ ચૌહાણની મહત્વની ભૂમિકા રહી છે. આ ઉપરાંત ઓબીસી નેતા તરીકે કે મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત વિધાનસભાના હાલના અધ્યક્ષ શંકર ચૌધરીના નામો પણ રેસમાં છે. સાથે સાથે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર અને ઓબીસી મોરચાના પુર્વ અધ્યક્ષ દિનેશ અનાવાડિયાનું નામ પણ ચર્ચામાં છે. પાટીદાર ચહેરા તરીકે ગોરધન ઝડફિયાને સ્થાન મળી શકે છે. ઝડફિયા ભાજપના સિનિયર નેતા અને અનુભવી ચહેરો છે. જયારે રજની પટેલનું નામ પણ સંભવિત પ્રદેશ પ્રમુખની રેસમાં છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક પ્રદેશ પ્રમુખપદની રેસમાં છે. જો આદિવાસી જ્ઞાતિમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલના નામની ચર્ચા છે.