શક્તિસિંહે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ કેવી રીતે પૂર્યા?’ઓપરેશન બિનહરીફ’ને ફેલ કર્યું

By: nationgujarat
11 Jun, 2024

લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતનું પરિણામ અકલ્પનીય આવ્યું છે. 5 લાખ મતની લીડથી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતવાના સપનામાં રાચતા ભાજપના નેતાઓ તો જાણે કે અવાક બની ગયા છે. ભલે ભાજપ ગુજરાતની એક જ બેઠક બનાસકાંઠામાં હાર્યું છે પરંતુ તેની આ હારના પડઘા છેક દિલ્હીમાં પણ પડ્યા છે.

કોંગ્રેસની વાત કરીએ તો તેની ગણતરી કરતાં પરિણામ થોડું અવળું આવ્યું છે પરંતુ ભાજપને ગુજરાતની બધી જ લોકસભા બેઠક પર જીતીને હેટ્રિક કરતાં અટકાવવાનો આનંદ પણ કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસની જીતનો શ્રેય ગેનીબેન ઉપરાંત સ્થાનિક કાર્યકરો અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પણ જાય છે. એક બેઠક પર મળેલી જીતે કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલનું કદ વધારી દીધું છે.

શક્તિસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હોવાથી ઉમેદવારોની પસંદગી, સંગઠનની દેખરેખ, હાઇકમાન્ડ સાથે સતત કોમ્યુનિકેશન, પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ ગોઠવવા, કઇ તારીખે કોણ ક્યાં પ્રચાર કરશે જેવી જવાબદારીઓ તેમના પર હોય તે સ્વભાવિક જ છે. આ તમામ બાબતોમાં શક્તિસિંહે માઇક્રો મેનેજમેન્ટ કર્યું જેનું પરિણામ બનાસકાંઠામાં કોંગ્રેસની જીતના રૂપે સામે આવ્યું છે.]

1) ઉમેદવારોની પસંદગી માટે કાર્યકરો પાસે ફોર્મ ભરાવ્યું
શક્તિસિંહ ગોહિલે ઉમેદવારોની પસંદગી કરવામાં કાર્યકરોને મહત્ત્વ આપ્યું. તેમણે દરેક જિલ્લામાંથી 70થી 80 કાર્યકરો-આગેવાનોને બોલાવ્યા હતા. આ તમામ કાર્યકરોને એક પ્રિન્ટેડ ફોર્મ આપ્યું હતું અને સ્થાનિક વિસ્તારમાં કોંગ્રેસનું હિત ઇચ્છતા હોય તેવા વ્યક્તિનાં નામો, કોને ટિકિટ આપવી જોઇએ તેનાં ત્રણ કારણો જણાવવાનું કહ્યું હતું. જો કોઇ કાર્યકરને લાગે કે આ નેતાને ટિકિટ ન આપવી જોઇએ તો તેના પણ કારણો દર્શાવવાનું ફોર્મમાં લખ્યું હતું. આમ ઉમેદવાર માટે કાર્યકરોની પસંદગી, નાપસંદગીનાં કારણો સહિત તેમણે ધ્યાને લીધી હતી.

2) કાર્યકોરની પસંદગીના ઉમેદવારોને ટિકિટ
આ સ્થાનિક કાર્યકરો-આગેવાનોએ જે ઉમેદવારનું નામ સૂચવ્યું હતું તેનું એક કોમન લિસ્ટ બનાવી શક્તિસિંહે પ્રભારીને સોંપ્યું હતું. કાર્યકરોએ ભરેલાં 70-80 ફોર્મમાંથી બહુમતી નામ ધરાવતાં ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી.

3) ઉમેદવારો પાસેથી 2 અંગત વ્યક્તિનાં નામ મોબાઇલ નંબર લીધાં
ટિકિટ વહેંચણી બાદ શક્તિસિંહ ગોહિલે ઉમેદવારોની એક મિટિંગ યોજી હતી. જેમાં તેમની પાસેથી એ જાણ્યું હતું કે જીતવા માટેના કયાં કારણો છે અને સ્થાનિક સમસ્યા શું છે. ઉપરાંત ઉમેદવારો પાસેથી એવી બે અંગત વ્યક્તિનાં નામ અને મોબાઇલ નંબર માગ્યાં હતાં કે જેનો સીધો સંપર્ક કરી શકાય. ઉમેદવાર પ્રચારમાં વ્યસ્ત હોય તો આ બે વ્યક્તિને પ્રદેશ કોંગ્રેસ ઓફિસથી સીધી જરૂરી સૂચના અપાતી અને આ સૂચના ઉમેદવાર સુધી પહોંચી જતી હતી. શક્તિસિંહે આખી ચૂંટણી દરમિયાન ઉમેદવારોને એક જ વાર કોંગ્રેસ ઓફિસે બોલાવ્યા હતા. વારંવાર ઓફિસે બોલાવી ઉમેદવારોના સમયનો વ્યય કર્યો નહતો.

4) ઉમેદવારોને લીગલ ટીમનો સપોર્ટ આપ્યો
​​​​​​
​ઉમેદવારોની પસંદગી બાદ તેમના ફોર્મ ભરવાથી માંડીને બધી જ બાબતોની લીગલ ટીમે ચકાસણી કરી હતી. પરિણામ સ્વરૂપ ભાજપે કોંગ્રેસના 18 ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો તેમ છતાં કોઇ જ વાંધો માન્ય ન રહ્યો અને બધાં જ ફોર્મ મંજૂર થયાં હતાં.

5) બૂથ એજન્ટ અને રિલીવરના નામ મગાવી મતદાર યાદી ચકાસી
પહેલાં ઉમેદવારો પોતાની રીતે બૂથ લેવલે એજન્ટની ગોઠવણી કરતા હતા. તેના બદલે ઉમેદવારો પાસેથી બૂથ એજન્ટ તથા બે રિલીવરનાં નામ તથા તેમના મોબાઇલ નંબર કોંગ્રેસ ઓફિસમાં મંગાવવામાં આવ્યાં હતાં. તેમની સાથે કોંગ્રેસમાંથી વાત કરીને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આખીય વ્યવસ્થા કોંગ્રેસ ઓફિસમાંથી ગોઠવવામાં આવી હતી. આ લોકોનાં નામ કલેક્ટર તેમ જ ચૂંટણી કમિશનરમાં મોકલવામાં આવ્યા હતા. જેથી મતદાર યાદી કે આખે આખી સોસાયટી રદ તો નથી થઇને વગેરે બાબતોની ચકાસણી થઇ જાય.

6) કોઇ વિવાદ ન થાય તે માટે રાષ્ટ્રીય નેતાઓને મુદ્દાની માહિતી અપાતી હતી
પ્રચાર દરમિયાન કોઇ પ્રચારક બફાટ ન કરે, વિવાદાસ્પદ નિવેદન ન આપી દે તેનું પણ ખાસ ધ્યાન રખાયું હતું. આ માટે દિલ્હીથી આવેલી સ્પષ્ટ સૂચના મુજબ કેમ્પેઇન દરમિયાન પ્રચારકને સ્થાનિક મુદ્દાઓથી માંડીને જરૂરી માહિતી સ્થાનિક કક્ષાએથી જ આપી દેવામાં આવતી હતી.

7) પ્રેસ કોન્ફરન્સમાં અગાઉથી પોઇન્ટ તૈયાર કરી દેવાતા
પ્રેસ કોન્ફરન્સમાં પણ રાષ્ટ્રીય નેતા કે પ્રાદેશિક નેતાને બોલવા માટેના પોઇન્ટ તૈયાર કરીને આપી દેવાનું નક્કી કર્યું હતું.

8) ન્યાયની ગેરંટીવાળા કાર્ડ ગ્રામ્ય સ્તરે મોકલ્યા
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ 5 ન્યાય અને 25 ગેરંટીવાળા 31 લાખ કાર્ડ ગુજરાતમાં મોકલ્યા હતા. આ કાર્ડનું મતદારોમાં વિતરણ કરાયું. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ કાર્ડનું વિતરણ કરાયું હતું.

9) પ્રચાર માટે કયા નેતા જોઇએ છે તેનાં નામ ઉમેદવારો પાસેથી મગાવ્યાં
પ્રચાર માટે ઉમેદવારને કયા રાષ્ટ્રીય નેતા, પ્રદેશ કક્ષાના કયા નેતા તેમજ સ્થાનિક કયા નેતાઓ જોઇએ છે તેના નામ ઉમેદવારો પાસેથી જ મગાવી લેવાયાં હતાં.

10) મત ગણતરી માટે પેન્સિલ, રબ્બર, કેલ્ક્યુલેટરની કિટ તૈયાર કરાવી
EVMમાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે મત ગણતરી સમયે ઉમેદવારો અને તેમના કાઉન્ટિંગ એન્જટે શું-શું ધ્યાન રાખવું તેની ખાસ તાલીમ આપવામાં આવી હતી. જેમાં કઇ રીતે મતગણતરી થાય છે, તેમાં શું ધ્યાન રાખવાનું હોય છે તેમ જ EVM નંબર, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ નંબર વિશેની માહિતી અપાઇ હતી. આ ઉપરાંત તે લોકોને વિધાનસભા બેઠક દીઠ પ્રિન્ટેડ ફોર્મ આપી દેવામાં આવ્યા હતા. જેમાં કયા EVM માંથી કેટલાં મતો નીકળ્યા અને કોને કેટલા મત મળ્યા તેની ઝીણવટભરી વિગતો હતી. આ ફોર્મમાં જે આંકડા લખવાના હતા તે આંકડા પેન્સિલથી લખવાનું જણાવવામાં આવ્યું હતું. આ માટે મત ગણતરી સ્થળે જનારા કાર્યકરને એક કિટ આપવામાં આવી હતી. આ કિટમાં પેન્સિલ, રબ્બર, સંચો, કેલ્ક્યુલેટર વગેરે જેવી સામગ્રી આપવામાં આવી હતી. તેમજ તેમનું આઇકાર્ડ પણ આપવામાં આવ્યું હતું.

ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે શક્તિસિંહની જરૂર છે
પ્રાદેશિક નેતાઓનું માનવું છે કે ગુજરાતમાં હજુ સંગઠનનું ઘણું કામ કરવાનું બાકી છે અને શક્તિસિંહ દરેક આગેવાનોથી માંડીને કાર્યકરો સુધીનાને સાથે રાખીને કામ કરે છે. શક્તિસિંહે આ વખતની ચૂંટણીમાં ગ્રાઉન્ડ લેવલે ઘણાં બધાં પગલાં લીધાં છે. જેના લીધે 45થી 70 ટકા સુધીનું પરિણામ મળ્યું છે. પરંતુ હજુ થોડી મહેનત માંગી લે તેવું કામ બાકી હોવાથી હાલ શક્તિસિંહને ગુજરાતથી હટાવીને દિલ્હી લઇ જવાની શક્યતા નહીવત છે. ઓલરેડી શક્તિસિંહ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ઉપરાંત દિલ્હી તેમ જ હરિયાણા, બિહારના પ્રભારી હતા. હાલ પણ તેઓ રાહુલ ગાંધી તેમ જ પ્રિયંકા ગાંધીની ગુડબુકમાં છે જ પરંતુ ગુજરાતમાં હાલની સ્થિતિ જોતાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે તેમને ગુજરાતમાંથી હટાવે નહીં તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.


Related Posts

Load more