રાજકોટના TRP ગેમ ઝોનમાં આગમી દુર્ઘટના ઘટી હતી, જેમાં 27 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. દુર્ઘટનામાં મૃતકોના મોતનું દુઃખ હજુ ભુલાયું નથી ત્યાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિશ્વરાજસિંહ જાડેજાના વિયોગમાં તેના પિતા જશુભા જાડેજાનું પણ નિધન થયું છે.
વિગતો મુજબ, રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટનામાં વિશ્વરાજસિંહ જાડેજાનું નિધન થયું હતું. વિશ્વરાજસિંહની નોકરીના પ્રથમ દિવસે જ TRP મોલમાં આગ લાગી હતી, જેમાં તેમનું મોત થયું હતું. જોકે યુવકના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. અગ્નિકાંડમાં પુત્રને ગુમાવતા તેના પિતા જશુભા જાડેજા છેલ્લા 2 દિવસથી દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. જ્યારે પુત્રના વિયોગમાં જશુભાનું પણ મોત થયું છે. થોડા દિવસના સમયગાળામાં જ પિતા-પુત્રના નિધનથી પરિવાર ઘેરા શોકમાં સરી પડ્યો છે.
નોંધનીય છે કે, રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકારે SITની રચના કરી હતી અને તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં પ્રાથમિક રીતે પોલીસ વિભાગ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે. પોલીસ વિભાગના લાયસન્સ શાખાના તથા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરે કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વગર પરફોર્મન્સ લાયસન્સ આપ્યું હોવાનો SIT રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજકોટ માટે 25 મેનો દિવસ કાળો સાબિત થયો કારણ કે શહેરના નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં કુલ 27 જેટલા કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ બનાવથી આખું ગુજરાત હચમચી ગયું હતું. રાજ્યના મોટા નેતાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.