ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસ કેટલી બેઠક જીતશે? શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો દાવો

By: nationgujarat
02 Jun, 2024

દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી-જયરામ રમેશ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા અને ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024નો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, “ગુજરાતમાં પહેલા ભાજપ કહેતું હતું કે 26માંથી 26 બેઠક 5 લાખી લીડથી જીતીશું અને કોંગ્રેસને ઉમેદવાર નહીં મળે. અમે મજબૂતીથી લડ્યા અને ભાજપની બોલતી બંધ થઇ ગઇ, હવે તેઓ ક્યાય પણ કહેતા નથી કે અમે 5 લાખથી જીતીશું.”

શક્તિસિંહ ગોહિલે સુરતની બેઠક બિનહરીફ થવાને લઇને પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, “એક જગ્યાએ ભાજપ રમત રમી ગયું અને સપોર્ટરની સિગ્નેચર મેચ કરવાનો પાવર નહતો તો પણ તે જીતી ગયા. અમે આગળ લડીશું.”

12 બેઠક પર કોંગ્રેસે આપી ટક્કર

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જયરામ રમેશને પોતાનો રિપોર્ટ કાર્ડ રજૂ કરતા જણાવ્યું કે, “25 બેઠકમાંથી 12 બેઠક પર ટક્કર આપી છે. તમામનું આંકલન, લોકલ મીડિયાનું આંકલન પણ છે કે કોંગ્રેસ 4-5 બેઠક જીતશે. આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન હતું જેમાં ભરૂચમાં ટાઇટ ફાઇટ આપી છે. ભાવનગરમાં પણ સારી રીતે ચૂંટણી લડવામાં આવી છે. 23 બેઠક પર અમે ચૂંટણી લડ્યા હતા.”

શક્તિસિંહ ગોહિલે ભાજપમાં ભાજગડને લઇને કહ્યું કે, “ભાજપમાં ઝઘડા ચાલતા રહ્યાં, 2 જગ્યાએ ઉમેદવાર બદલવા પડ્યા. ઉમેદવારો વિરૂદ્ધ કાળા ઝંડા ફરકાવવામાં આવ્યા અને તેમને કાર્યાલયમાં ઘુસવા ના દીધા. કોંગ્રેસમાં ક્યાય પણ ઉમેદવારને લઇને કે પછી ચૂંટણી પ્રચારમાં કોઇ મુશ્કેલી આવી નહતી. બધા ટીમના રૂપમાં લડ્યા છીએ. કોંગ્રેસની 5 ન્યાય અને 25 ગેરંટીનો લોકોએ સ્વીકાર કર્યો છે.”

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે લોકસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, “મને પુરો વિશ્વાસ છે કે 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં 0 બેઠક આવી હતી પણ આ વખતે ચૂંટણીના પરિણામ કોંગ્રેસ માટે સારા રહેશે.”

 


Related Posts

Load more