T-20 World Cup – પહેલીવાર સ્ટોપ ક્લોક રૂમ લાગૂ થશે, જાણો T20 વર્લ્ડ કપમાં શું પ્રથમ વખત થશે

By: nationgujarat
28 May, 2024

2023 ODI વર્લ્ડ કપની મેચ ચેન્નઈમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 270 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટે 200 રન બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે રમત ધીમી કરી દીધી હતી. બાબર દક્ષિણ આફ્રિકાના બેટર્સનો મોમેન્ટમ તોડવા માગતો હતો.

બાબરની યુક્તિ કામ કરવા લાગી અને દક્ષિણ આફ્રિકાનો સ્કોર 260/9 થઈ ગયો. જોકે, દક્ષિણ આફ્રિકા કોઈક રીતે મેચ જીતી ગયું હતું. જો T20 વર્લ્ડ કપનો નવો નિયમ ‘સ્ટોપ ક્લોક’ લાગુ કરવામાં આવ્યો હોત તો પાકિસ્તાન ઘણા સમય પહેલા હારી ગયું હોત. આ મુજબ, ફિલ્ડિંગ ટીમને સ્લો ઓવર માટે 5 રનનો દંડ કરવામાં આવશે.

T-20 વર્લ્ડ કપ 2 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થઈ રહ્યો છે. જાણો આવી 6 ખાસ વાતો જે પહેલીવાર જોવા મળશે.

1. બે અલગ બોર્ડ હોસ્ટિંગ
વેસ્ટ ઈન્ડિઝ અને USA ક્રિકેટ એસોસિયેશનને આ વર્લ્ડ કપની યજમાની મળી છે. પ્રથમ વખત બે બોર્ડ T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. અગાઉ, માત્ર એક બોર્ડ દ્વારા 8 વખત ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

2. અમેરિકા હોસ્ટિંગ
અમેરિકાને પહેલીવાર ICCની કોઈ ઈવેન્ટની યજમાની મળી છે. અમેરિકા 2028માં ઓલિમ્પિકની પણ મેજબાની કરશે, જેમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમેરિકા T20 વર્લ્ડ કપની યજમાની કરનાર બીજો સહયોગી સભ્ય દેશ બનશે. એસોસિયેટ એટલે કે જેમને ICC દ્વારા ટેસ્ટ ક્રિકેટ રમવાનો દરજ્જો આપવામાં આવ્યો નથી. અમેરિકા પહેલાં 2021 T20 વર્લ્ડ કપ સહયોગી દેશ UAEમાં રમાયો હતો. જોકે તેનું આયોજન ભારતે કર્યું હતું, કારણ કે ટુર્નામેન્ટના હોસ્ટિંગ રાઇટ્સ BCCI પાસે હતા.

શું એસોસિયેટ બોર્ડ પ્રથમ વખત ICC ટુર્નામેન્ટનું આયોજન કરશે?
ના, આ પહેલા એસોસિયેટ સભ્યો ચેમ્પિયન્સ ટ્રોફી અને ODI વર્લ્ડ કપનું આયોજન કરી ચુક્યા છે. 1998માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન એસોસિયેટ નેશન બાંગ્લાદેશે કર્યું હતું અને 1999માં ODI વર્લ્ડ કપનું આયોજન ઇંગ્લેન્ડની સાથે સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, વેલ્સ અને નેધરલેન્ડ્સે કર્યું હતું.

3. 20 ટીમ પ્રથમ વખત રમશે
પ્રથમ વખત T-20 વર્લ્ડ કપમાં 20 ટીમ ભાગ લેશે. આ વખતે 20 ટીમને 5 ટીમના 4 જુદા જુદા ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રુપની ટોપ 2-2 ટીમ સુપર-8 સ્ટેજના 2 ગ્રુપમાં જશે. અહીં બંને ગ્રુપની ટોપ 2 ટીમ વચ્ચે સેમિફાઈનલ રમાશે, ફાઈનલમાં પહોંચનારી ટીમ 29 જૂને બાર્બાડોસમાં રમશે.

ત્રણ ટીમ વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે
20માંથી 8 ટીમ ટોપ-8 પોઝીશનમાં રહીને 2022 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. રેન્કિંગના આધારે 2 ટીમ મૂકવામાં આવી છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝે યજમાન રાષ્ટ્ર તરીકે ભાગ લીધો છે. બાકીની 8 ટીમે રિજનલ ક્વોલિફાયર જીતીને ટુર્નામેન્ટમાં જગ્યા બનાવી છે. કેનેડા અને યુગાન્ડા T20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે. અમેરિકા પણ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમશે.

4. પ્રથમ વખત વિદેશમાં પિચ બનાવવામાં આવી
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ડ્રોપ-ઇન પિચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોપ-ઇન પિચ મેદાનની બહાર બનાવવામાં આવે છે અને પછી સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવે છે. નાસાઉ સ્ટેડિયમની પિચ ઓસ્ટ્રેલિયામાં બનાવવામાં આવી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં 10 પિચને દરિયાઈ માર્ગે અમેરિકાના ફ્લોરિડા લાવવામાં આવી હતી, જ્યાં 5 મહિનાની તૈયારી બાદ મે મહિનામાં જ નાસાઉ સ્ટેડિયમમાં ફીટ કરવામાં આવી હતી. 10માંથી 6 પિચ પ્રેક્ટિસ માટે છે જ્યારે 8 મેચ 4 પિચ પર રમાશે. પ્રથમ વખત વર્લ્ડ કપમાં બીજા દેશમાં બનેલી પિચોનો ઉપયોગ કરવામાં આવશે.

5. મોડ્યુલર સ્ટેડિયમ
ન્યૂયોર્કમાં ડિસેમ્બર 2023 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ નહોતું. મોડ્યુલર સ્ટેડિયમ અહીં છેલ્લા 6 મહિનામાં બનાવવામાં આવ્યું હતું. તેની પિચ ઓસ્ટ્રેલિયાથી લાવવામાં આવી હતી, જ્યારે સ્ટેન્ડ ફોર્મ્યુલા-1 સ્પર્ધામાંથી લાવવામાં આવ્યા હતા. આ સ્ટેડિયમમાં 34 હજાર દર્શકો બેસી શકશે.

વર્લ્ડ કપમાં પ્રથમ વખત મોડ્યુલર સ્ટેડિયમનો ઉપયોગ કરવામાં આવશે. ભારત-પાકિસ્તાન મેચ સહિત ગ્રુપ સ્ટેજની 8 મેચ અહીં રમાશે. ખાસ વાત એ છે કે ટુર્નામેન્ટ બાદ તેને પાર્કમાં ફેરવી દેવામાં આવશે.

6. સ્ટોપ ક્લોક નિયમ
ICC ટુર્નામેન્ટમાં પ્રથમ વખત સ્ટોપ ક્લોક નિયમનો ઉપયોગ કરવામાં આવશે. બોલિંગ ટીમને 2 ઓવર વચ્ચે માત્ર 60 સેકન્ડનો સમય મળશે. ઓવર સમાપ્ત થયા પછી, ત્રીજા અમ્પાયર મેદાનમાં સ્થાપિત ટીવી સ્ક્રીન પર ટાઈમર શરૂ કરશે. જો આગામી ઓવર 60 સેકન્ડ પછી શરૂ થાય છે, તો ફિલ્ડ અમ્પાયર ફિલ્ડિંગ ટીમના કેપ્ટનને બે વાર ચેતવણી આપશે.

જો ઇનિંગમાં ત્રણ વખત આગલી ઓવર નાખવામાં 60 સેકન્ડથી વધુ સમય લાગે તો 5 રનનો દંડ લાદવામાં આવશે. આ 5 રન બેટિંગ ટીમના સ્કોરમાં ઉમેરાશે. ઇનિંગ્સમાં દરેક ત્રીજી ભૂલ માટે બોલિંગ ટીમને દંડ કરવામાં આવશે. સમયનું સંચાલન કરવા માટે, આ નિયમનો ટ્રાયલ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ કર્યો હતો. જેને હવે કાયમી કરી દેવામાં આવ્યો છે.


Related Posts

Load more