ખુશીઓની રમત માટે ગયેલા બાળકો જિંદગીની રમત હારી ગયાં. આગકાંડમાં સૌથી વધુ માસૂમ બાળકોનો ભોગ લેવાયો છે. જે 28 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે, તેમાં 9 બાળકો છે. રાજકોટમાં વેકેશનની મજા બાળકો માટે મોતની સજા બની ગઈ છે. માસૂમ બાળકોના મોત થતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો છે. આ ઘટના એટલી દુખદ છે કે, પરિવારજનો પોતાના સ્વજનોના મોતના મૃતદેહો પણ ઓળખી શક્યા નથી. લાશ એટલી હદે બળી ગઈ છે કે, DNA બાદ જ ખબર પડશે. લોકો હજી આગમાં પોતાના સ્વજનોને શોધી રહ્યાં છે. ત્યારે રાજકોટના ગેમઝોન આગમાં એક NRI પરિવારને હોમી લીધો છે. આ પરિવાર હજી થોડા દિવસ પહેલા જ અમેરિકાથી રાજકોટ આવ્યો હતો.
હજારો કિલોમીટર દૂરથી મોત ખેંચીને તેમને રાજકોટ લાવ્યું
રાજકોટના ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો જીવતા ભૂંજાયા છે. હજી કોઈનો અત્તોપત્તો નથી લાગી રહ્યો. પરંતું અમેરિકાથી રાજકોટ આવેલા એક પરિવારને આ આગકાંડ ભરખી ગયો. એનઆરઆઈ પરિવારના નવયુગલના હજી ચાર દિવસ પહેલા જ લગ્ન થયા હતા. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. ખ્યાતી સાવલીયા અને અક્ષય ઢોલરીયાનું મૃત્યું થયું છે. હજી ચાર દિવસ પહેલા જ આ કપલના લગ્ન થયા હતા. હજારો કિલોમીટર દૂરથી મોત ખેંચીને તેમને રાજકોટ લાવ્યું હોય તેવુ લાગી રહ્યું છે.
લગ્નની શરણાઈઓ વાગી હતી, ત્યા હવે માતમ છવાયો
રાજકોટની ગેમ ઝોન મોતની ગેમ બની રહી. કાળજું કંપાવી દેતી ઘટનામાં ગઈકાલ સાંજથી સિવિલ હોસ્પિટલની બહાર સ્વજનોની લાઈનો લાગી છે. કોઈ રડી રહ્યું છે, તો કોઈ ઉદાસીન છે. દરેક પોતાના સ્વજનને શોધી રહ્યું છે. કોઈએ ભાઈ, તો કોઈએ દીકરી, કોઈએ બહેન તો કોઈએ સંતાનો ગુમાવ્યા છે. અમેરિકાથી એક પરિવાર હોંશેહોંશે લગ્ન માટે રાજકોટ આવયો હતો. આ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. ચાર દિવસ પહેલા જ લગ્ન કરનાર યુગલને પણ આ આગ ભરખી ગઈ છે. આમ, પરિવારની ખુશી ચાર દિવસ પણ ટકી ન હતી. જ્યાં લગ્નની શરણાઈઓ વાગી હતી, ત્યા હવે માતમ છવાયો છે.
અમારા પરિવારના 10 લોકો ગયા હતા, 5 હજી લાપતા છે
તો ઝી 24 કલાક પર ઇજાગ્રસ્ત જિજ્ઞાબા જાડેજાના પુત્રી દેવિકાબાએ કહ્યું કે, અમારા પરિવારના 10 લોકો ગેમઝોનમાં ગયા હતા. 5 લોકો બચી ગયા અને 5 લોકો લાપતા છે. દેવિકાબા જાડેજાએ કહ્યું, અંદર વેલ્ડીંગ કામ ચાલુ હતું અને અચાનક જ બ્લાસ્ટ થયો. TRP ગેમ ઝોનના કર્મચારીઓ કુંદી કૂદી ભાગ્યા હતા. બે દિવસ પહેલા પણ આવી આગ લાગી હતી પણ ફાયર ઇન્સ્ટિગ્યુશરથી આગ ઓળવિ દીધી હોવાથી જાહેર કરી નહોતી. અંદર મોટી સંખ્યામાં લોકો હતા.