T20 વર્લ્ડ કપ 2024 બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ નવા કોચ માટે અરજીઓ મંગાવી છે. દ્રવિડ પણ અરજી કરવા પાત્ર છે, પરંતુ રિપોર્ટ અનુસાર તે આ ભૂમિકા માટે ફરીથી અરજી કરશે નહીં. તેણે ઘણા સમય પહેલા જ નિર્ણય કરી લીધો હતો કે તે ટીમના મુખ્ય કોચ તરીકે પોતાનો કાર્યકાળ આગળ વધારવા માંગતો નથી.
ESPN Cricinfoના રિપોર્ટ અનુસાર, BCCI ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને આગામી કોચ બનાવવા માંગે છે. ગંભીર BCCIની વિશલિસ્ટમાં ટોપ પર છે. બીસીસીઆઈએ આ મામલે ગંભીરનો સંપર્ક પણ કર્યો છે. IPL 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KK) અભિયાન પૂર્ણ થયા પછી વધુ ચર્ચા થવાની અપેક્ષા છે. BCCIએ મુખ્ય કોચ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે (સાંજે 6 વાગ્યા સુધી) નક્કી કરી છે.
વર્તમાન અહેવાલો અનુસાર, ગૌતમ ગંભીર સિવાય, સ્ટીફન ફ્લેમિંગ અને રિકી પોન્ટિંગ, જેઓ હાલમાં અનુક્રમે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સને કોચિંગ આપી રહ્યા છે, તેઓ પણ કોચ બનવાના દાવેદારોમાં સામેલ છે. ભારતીય ટીમના નવા કોચની રેસમાં ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગ અને વીવીએસ લક્ષ્મણના નામ પણ છે.
બીસીસીઆઈએ સોમવારે (13 મે) નવા મુખ્ય કોચ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. હાલમાં દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચનું પદ સંભાળી રહ્યો છે. BCCIએ દ્રવિડને ODI વર્લ્ડ કપ 2023 સુધી કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. પરંતુ તે પછી ભારતીય બોર્ડે દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સુધી લંબાવ્યો હતો. આ વર્લ્ડ કપ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાની હેઠળ રમાશે. પરંતુ આ પહેલા જ બીસીસીઆઈએ નવા કોચની પ્રક્રિયા શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે નવા મુખ્ય કોચનો કાર્યકાળ 3.5 વર્ષનો રહેશે.