કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફાન

By: nationgujarat
19 May, 2024

દેશવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા છે. 46.9 ડિગ્રી સાથે ઉત્તરપ્રદેશનું આગ્રા સૌથી ગરમ શહેર બન્યું છે. તો આ વર્ષે પંજાબમાં ગરમીએ 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મધ્યપ્રદેશ, દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. હજુ 4 દિવસ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાં શેકાવુ પડશે તેવી આગાહી છે. વલસાડમાં 4 દિવસ હીટવેવની હવામાનની આગાહી છે. તો ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી છે. પોરબંદર અને કચ્છમાં પણ કાળઝાળ ગરમી પડશે. અમદાવાદમાં ઓરેન્જ અલર્ટની હવામાનની આગાહી છે. હાલ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, 17 થી 22 મે દરમિયાન રાજ્યમા તાપમાન ઉંચુ જોવા મળશે અને પવન નોર્મલ સ્પીડમાં ઉત્તર પશ્ચિમના ફૂંકાશે. ત્યારે  વાત કરીએ તો શનિવારે ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શનિવારે 45.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા છે. રાજ્યમાં હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે

દેશના 9 રાજ્યોમાં હીટવેવની આગાહી 
દેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. જેમાં દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાતમાં લૂની અસર વર્તાઈ રહી છે. પંજાબમાં મે મહિનાની ગરમીનો 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં 46.9 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા છે. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, યુપીમાં ગરમીથી અકળામણ અનુભવાઈ રહી છે. તો બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલની આગાહી શું કહે છે 
આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે, તારીખ 17 મેથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. આ દિવસોમાં અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. 20 થી 22 મે સુધીમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેમાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાની શક્યતા છે. આ દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે.


Related Posts

Load more