નોટીસ આપ્યા વગર કોઈને નોકરીમાંથી કાઢી ન શકાયઃ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

By: nationgujarat
17 May, 2024

ગુજરાત હાઈકોર્ટે કામદારોના હકમાં એક મહત્ત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે ચુકાદો આપ્યો કે કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર કામદારને નોકરીમાંથી છૂટા કરવા એ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધનું પગલું ગણાય. કોઈપણ આગોતરી સૂચના વિના કામદારને નોકરીમાથી કાઢી મુકવા એ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. ગુજરાત હાઈકોર્ટે વનવિભાગના કામદારોને નોકરીમાંથી હાંકી કાઢવાના કેસમાં આ નિર્ણય આપ્યો છે.

પીડબલ્યુડી અને ફોરેસ્ટ એમ્પલોઈ યુનિયન તથા અન્યો દ્વારા કરાયેલી અરજીઓના કેસમાં જ સ્ટિસ હેમંત પ્રચ્છકે આ ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે અરજી કરનારાઓમાંથી કેટલાકને નોકરીમાં સંબંધિત લાભો અને સેવાના સાતત્ય સાથે પુનઃસ્થાપિત કરવા હુકમ કર્યો હતો. તો અન્ય બીજા કામદારોના કિસ્સામાં હાઈકોર્ટે તેમને મેનેજમેન્ટ સામે યોગ્ય રજૂઆત કરવા મંજૂરી આપી હતી અને સાથે જ કામદારોને રજૂઆતની પૂરતી તક આપી છ સપ્તાહમાં નિર્ણય લેવા હાઈકોર્ટે મેનેજમેન્ટને હુકમ કર્યો હતો. જોકે કોઈપણ નિર્ણય કરતાં પહેલા સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદા અને સરકારના 1988ના ઠરાવ સહિતની જોગવાઈઓને ધ્યાનમાં લેવા પણ હાઈકોર્ટે સત્તાવાળોને જણાવ્યું હતું.

નોંધનીય છે કે, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સરકારના 1988ના ઠરાવના લાભોથી વંચિત રાખી કેટલાક કામદારોની નોકરીની સેવાઓને ગેરકાયદેસર રીતે સમાપ્ત કરામાં આવી હતી. મેનેજમેન્ટ અને સત્તાવાળાઓના આ નિર્ણયથી નારાજ કર્મચારીઓએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હત કે, અરજદારોને વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નિમણૂક આપવામાં આવી હતી અને નોકરીમાં રોજમદાર કામદાર તરીકે તેમનો કાર્યકાળ સાત વર્ષતી વધુનો થવાં છતાં તેમને લઘુતમ વેતન કરતાં પણ ઓછું વેતન આપવામાં આવતું હતું. નિવૃત્તિની ઉંમરે પહોંચ્યા બાદ પણ તેને નિવૃત્તિના લાભો આપવામાં આવ્યા ન હતા. ખુદ સરકાર દ્વારા જ 1988ના ઠરાવમાં સંબંધિત લાબો અને હક્કો આપવાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં સત્તાવાળાઓ આ ઠરાવને ઘોળીને પી ગયા હતા અને કામદારોને તેમના કાયદેસરના હક્ક અને અધિકારથી વંચિત રાખ્યા હતા. જોકે કામદારોની રજૂઆત બાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.


Related Posts

Load more