ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણીના સમયમાં કોઈને કોઈ નેતા પર રોષ ઠાલવતા જોવા મળે છે. ત્યારે હવે નીતિનભાઈએ કાર્યાલય શરૂ કરવા પર સવાલ ઉઠાવ્યા છે. નીતિનભાઈએ કહ્યું કે માત્ર પાટિયા લગાવી દેવાથી કાર્યાલય નથી બની જતું. અવસર હતો કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટનનો. જેમાં નીતિન પટેલે બળાપો કાઢ્યો હતો.
તેમણે કહ્યું કે હું 20 વર્ષ મંત્રી રહ્યો છું, પણ બે પાંચ દિવસથી વધારે ગાંધીનગરના સરકારી બંગલે રોકાયો નથી. આટલા વર્ષોમાં મને રજૂઆતના કાગળો મળ્યા છે અને લાખોની સંખ્યામાં જવાબ પણ આપેલા છે. આટલું જ નહીં નીતિનભાઈએ તો ત્યાં સુધી કહી દીધું કે કોઈ મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથી. એટલે કાર્યાલયનું પાટીયું લટકાવી દેવાય, એવું ન હોવું જોઈએ. કાર્યકરોના અને લોકોના કામ પણ થવા જોઈએ.
કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય. હારતા, જીતતા કે સરકાર બન્યા પછી પણ કાર્યાલયો બનાવ્યા છે. જોકે અંતમાં નીતિનભાઈએ એ પણ સ્પષ્ટતા કરી દીધી કે હું બડાઈ મારતો નથી પણ ફરક બતાવવા કહી રહ્યો છું.